________________
વિષયોનું જ્ઞાન એક સાથે પણ કરી શકે છે. અહીં એક સાથે જે કહેવામાં આવ્યું છે તે કાલાંતરે કે સમયાંતરે એક પાત્રમાં સંગ્રહિત થાય છે, તે અપેક્ષાએ કહ્યું છે. અન્યથા પાંચેયને બરાબર જાણે તેવું નથી. ઈન્દ્રિયો તો ફક્ત એક–એક વિષયને જ જાણે છે. જ્યારે આત્મા ક્રમશઃ બે, ત્રણ, ચાર અને પાંચ, એમ બધી ઈન્દ્રિયના બોધને પણ પામી શકે છે. ‘પણ' શબ્દ તે પાંચેય વિષયોને જાણે છે તેવા નિશ્ચયનો પરિહાર કરે છે અને ઓછાવત્તા અંશે પણ વિષયોને જાણે, તેનો સૂચક છે. સારાંશ એ થયો કે ઈન્દ્રિયોના જ્ઞાનની મર્યાદા છે. જ્યારે આત્મા બધી ઈન્દ્રિયોના અલગ અલગ જ્ઞાનને એક કેન્દ્રમાં જાણીને તેનું સમુચિત જ્ઞાન કરી શકે છે. પછી તે બે ઈન્દ્રિયોનો વિષય કે ત્રણ, ચાર કે પાંચે ઈન્દ્રિયોનો વિષય હોય. અહીં સિદ્વિકારે પાંચે ઈન્દ્રિયના વિષય, એમ લખીને અંતિમ બિંદુનો સ્પર્શ કરીને પરોક્ષ રીતે ઓછી-વત્તી ઈન્દ્રિયોના વિષયને પણ આત્મા સ્પર્શે છે, તેવો અધ્યાહાર કર્યો છે.
અધ્યાત્મ સંપૂટ આખી ગાથા આત્મલક્ષી છે. ઈન્દ્રિયો ઉપકરણ છે. જેમ આપણે કોઈ વ્યક્તિના હાથ-પગ આદિ અંગોનું વર્ણન કરીએ પણ આ બધા અંગોપાંગ એક અખંડ શરીરમાં ગોઠવાયેલા છે, તે બોધ થવો જરૂરી છે. ખંડ–ખંડ રહેલા અંગોપાંગ શરીરની ક્રિયા કરી શકતા નથી. અંગોપાંગ દ્વારા એક શરીરનો બોધ કરવામાં આવે છે. બોધનું લક્ષ અખંડ શરીર છે. અંગોપાંગ તેના અવયવો છે. તે જ રીતે અહીં ઈન્દ્રિયરૂપી ઉપકરણથી કે અવયવોથી અને તેના ખંડ–ખંડ બોધથી એક અખંડ બોધિ સ્વરૂપ આત્માનું ભાન કરાવવું, તે આ ગાથાનું મુખ્ય લક્ષ છે અને શાસ્ત્રકાર સ્પષ્ટ શબ્દમાં કહે છે કે આત્માને ભાન' અર્થાત્ ભાન કરનાર મુખ્ય આત્મા છે. બોધનો જનક પણ તે જ છે અને બોધનો ગ્રાહક પણ તે જ છે. બોધનો સામાન્ય ઉપયોગ કે નિરાકાર ઉપયોગ આત્માથી પ્રારંભ થઈને પદાર્થનો બોધ કરી આત્મામાં પ્રતિષ્ઠિત થાય છે. આ થઈ ઈન્દ્રિય દ્વારા થતી જ્ઞાન વ્યાપારની આખી પ્રક્રિયા અને પ્રક્રિયાનો સ્તંભ અથવા જ્ઞાતા જે છે તે આત્મા છે. આત્મા નથી, તો ઈન્દ્રિય નથી. ઈન્દ્રિય નથી, તો જ્ઞાન વ્યાપાર નથી. આત્મા મૂળ આધારભૂત છે. આધારસ્તંભનો બોધ કરાવવો, તે આ ગાથાનું સ્પષ્ટ વક્તવ્ય છે.
સમગ્ર આત્મસિદ્ધિશાસ્ત્ર એક પ્રકારે અધ્યાત્મશાસ્ત્ર છે. આત્મતત્ત્વ દ્વારા પરમાત્માનું ભાન કરાવવું, આત્મસ્વભાવનો નિર્ણય થયા પછી આત્મગુણોમાં રમણ કરવું અને બાહ્યક્રિયાઓથી મુક્ત થઈ દ્રવ્યાનુસારી શુદ્ધ ક્રિયાનું અવલંબન લઈ કર્મોને ખાલી કરી, અકર્મ અવસ્થાને પ્રાપ્ત કરવી, તે એકમાત્ર લક્ષ છે. આ ગાથા પણ અધ્યાત્મલક્ષી છે. ઈન્દ્રિયો વિષયને સ્પર્શ કરે છે. વિષયનું જ્ઞાન તે વિભાવ છે, આ બધા વિભાવો આત્મા સુધી પહોંચે છે પરંતુ પાંચે પ્રકારના વિષયાત્મક વિભાવોનું જ્ઞાન, તે પદાર્થજનિત જ્ઞાન છે. આત્મા તે જ્ઞાનનો પણ વિવેક કરે છે. એટલે શાસ્ત્રકારે અહીં લખ્યું છે કે આ આત્માને વિભાવનું પણ જ્ઞાન છે અને પોતાનું પણ જ્ઞાન છે. ‘પણ’ શબ્દ મૂકીને તેમણે ઈન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થયેલો વિભાવ અને તેનું જ્ઞાન તથા આત્માથી નિપજતી શુદ્ધ પર્યાયનું નિર્મળ જ્ઞાન, એ બંનેનું જ્ઞાન પણ આત્માને છે, તેમ કહ્યું છે. આખી ગાથા અધ્યાત્મબોધક છે. ભલેને ઈન્દ્રયો વિષયને જાણતી હોય પણ આત્મા તો વિષયોને પણ જાણે છે અને પોતાને પણ જાણે છે. પણ આત્માને ભાન' એમ કહીને કવિરાજે વિષયોના ભાનને
(૮૦)