________________
લઈને વિકલેન્દ્રિય આદિ જીવોનું કથન થયું છે. એક વ્યક્તિમાં પાંચે ઈન્દ્રિયો છે. તેમાં પાંચે ઈન્દ્રિયો પોતપોતાની રીતે કામ કરે છે. જ્યારે પૃથ્વી, પાણી વગેરે જીવો પણ જે જે ઈન્દ્રિયો ધરાવે છે પછી તે એકેન્દ્રિય હોય કે વિકલેન્દ્રિય હોય, ત્યાં પણ દરેક ઈન્દ્રિય સ્વતંત્ર રીતે પોતાના વિષયનો સ્પર્શ કરે છે. આમ પ્રત્યેક શબ્દ કહેવાથી એકેન્દ્રિયાદિ જીવોનું પણ અહીં ગ્રહણ કર્યું છે.
શાસ્ત્રકારનો ભાવ એકેન્દ્રિયાદિ જીવો સાથે નથી પરંતુ દરેક ઈન્દ્રિય પોત-પોતાનો વ્યાપાર કરે છે, તેમ કહેવાનો આશય છે. પછી તે એકેન્દ્રિય, બેઈન્દ્રિય જીવમાં એક કે બે ઈન્દ્રિય હોય કે પંચેન્દ્રિય જીવમાં પાંચ ઈન્દ્રિય હોય, તે પોતાની રીતે વિષયનું ગ્રહણ કરે છે. અહીં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ઈન્દ્રિયને પોતાના વિષયની મર્યાદા છે પરંતુ એ હકીકત અહીં પરોક્ષ રીતે સમજવાની છે કે બધી ઈન્દ્રિયો સમાન રૂપે વિષયનો બોધ કરતી નથી. એકેન્દ્રિયાદિ જીવોની સ્પર્શેન્દ્રિય અને મનુષ્ય આદિ વિકસિત જીવોની પંચેન્દ્રિયની વિષય ગ્રાહ્યતામાં ઘણું અંતર હોય છે. પ્રત્યેક ઈન્દ્રિય પોતાના વિષયને જાણે છે તે બરાબર છે પરંતુ તે પોતાના અલ્પ, અધિક ક્ષયોપશમ પ્રમાણે જાણે છે. જે ઈન્દ્રિયો કુંઠિત થઈ ગઈ છે, તે પોતાના વિષયને ગ્રહણ કરી શકતી નથી. કારણકે તેને એવી જાતના કર્મોનું આવરણ છે. અહીં કથનનું તાત્પર્ય એ છે કે ઈન્દ્રિયો પોતાના ક્ષયોપશમ પ્રમાણે અને પુણ્યના ઉદય પ્રમાણે વિષયને ગ્રહણ કરી શકે છે. પ્રત્યેક ઈન્દ્રિય પોતાના વિષયને જાણે છે, તે એક અર્થમાં પરાધીન પણ છે. પાપનો ઉદય હોય અને જ્ઞાનાવરણીય આદિ કર્મનો ક્ષયોપશમ ન હોય તો પોતાના વિષયને જાણી શકતી નથી... અસ્તુ. અહીં આપણે પ્રત્યેક શબ્દની વ્યાખ્યા કરી રહ્યા હતા અને એ રીતે શાસ્ત્રકારની વ્યાપક અને ગંભીર દૃષ્ટિનો ઉલ્લેખ કર્યો છે કે પ્રત્યેક શબ્દ સમગ્ર જીવ રાશિને આવરી લે છે. જ્યાં જ્યાં જે—જે ઈન્દ્રિયો છે, ત્યાં ત્યાં તે તે ઈન્દ્રિયો પોતપોતાનું કાર્ય કરે છે.
ત્યારબાદ પાંચેય ઈન્દ્રિયોનો ઉલ્લેખ પણ કર્યો છે. અહીં મુખ્યપણે સંજ્ઞી પંચેન્દ્રિય જીવને દૃષ્ટિગોચર રાખીને કથન કર્યું છે. પાંચેય ઈન્દ્રિયો જે વિષયને ગ્રહણ કરે છે, તે પરોક્ષ રીતે પદાર્થના પાંચે ગુણોનો પણ સ્પર્શ કરે છે. પદાર્થમાં પાંચ ગુણ રહેલા છે. રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ. પાંચે ઈન્દ્રિયો પાંચ વિષયને એક સાથે પણ ગ્રહણ કરી શકે છે અને સમયાંતરે પણ ગ્રહણ કરી શકે છે. તત્ત્વદર્શનમાં આ પ્રશ્ન ખૂબ જ સૂક્ષ્મ રીતે વર્ણવ્યો છે. પ્રશ્ન એ છે કે શું એક સમયમાં બે ક્રિયા હોય ? એક વ્યક્તિ એક સાથે રૂપને પણ જાણે અને રસને પણ જાણે, શું એ સંભવ છે ? ત્યારે ઉત્તર આપવામાં આવ્યો છે કે ઈન્દ્રિયો એક સાથે બે ક્રિયા કરી શકે છે. આંખ રૂપ જુએ છે અને કાન શબ્દ સાંભળે છે. બંને ક્રિયા એક સાથે હોવા છતાં જીવને અક સાથે બંનેનો ઉપયોગ હોતો નથી, સમયાંતરે બોધ થાય છે. આ સૂક્ષ્મ વાત વ્યક્તિને લક્ષમાં હોવી જોઈએ. અહીં પાંચેય ઈન્દ્રિયના વિષયનું આત્માને જે જે ભાન થાય છે, તે એક સાથે થતું નથી. સમયાંતરે આત્મા પાંચે ઈન્દ્રિયના વિષયનો સમાગમ કરી પોતે પાંચ વિષયનો જાણકાર છે, પાંચ વિષયને જાણે છે, તેવો આત્માને અનુભવ થાય છે. પાંચ ઈન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન' આ પદમાં ‘પણ’ શબ્દ જે રીતે મૂકવામાં આવ્યો છે તે ખાસ બોધસૂચક છે. પાંચેય ઈન્દ્રિયના વિષયનું ભાન થાય અને ન પણ થાય તેવો અઘ્યાર્થ છે. કોઈ સમસ્ત મતિજ્ઞાનવાળો જીવ હોય, તો તે પાંચે
(૭૯)