________________
વિરુદ્ધમાં અગોપ્ય એવા મોક્ષમાર્ગનું પ્રદર્શન કરશે. અત્ર શબ્દ સ્વતઃ કાળવાચી બન્યો છે અને વર્તમાનકાળના વિરુદ્ધમાં પોતે પણ વર્તમાનકાળને આશ્રીને જ લુપ્ત થયેલા માર્ગને ઉદ્ઘાટિત કરશે. આમ ‘અત્ર’શબ્દ પણ સામાન્ય વ્યવહારમાં વર્તમાનકાળ વાચી બન્યો છે.
વર્તમાનકાળની મહત્તા : આપણે પાછળની પંકિતઓમાં કહી ગયા કે અનંત ભૂતકાળ એ વર્તમાનકાળનો પાયો છે. આમ હોવા છતાં પણ અતિ સૂક્ષ્મ દૃષ્ટિએ એવંભૂતનયના આધારે કહેવું પડશે કે અનંત ભૂતકાળ પણ વર્તમાનકાળના એક ક્ષણમાં સમાયેલો છે. અર્થાત્ સમગ્ર વિશ્વ અને તેના બધા દ્રવ્યો ગમે તેટલા પુરાણા હોવા છતાં, બધા વર્તમાનકાળમાં સંકલિત થયેલા છે. એક ક્ષણનો વર્તમાનકાળ સમગ્ર વિશ્વનું પ્રતિબિંબ છે. જે કોઈ ઉદ્ઘાટિત પર્યાયો છે તે વર્તમાનકાળમાં પ્રત્યક્ષ થાય છે, અને અનુદઘાટિત એવી અનંત પર્યાયો પણ પરોક્ષભાવે વર્તમાનકાળમાં સંકેલાણી હોય છે. જે રીતે ભૂતકાળ વર્તમાનકાળમાં સમાયેલો છે, તે જ રીતે અનંત ભવિષ્યકાળ વર્તમાનકાળ માં જ પોતાનું અસ્તિત્ત્વ ધરાવે છે, કારણ કે અહીં આપણે એક ધ્રુવ સિદ્ધાંતનો ઉલ્લેખ કરીએ છીએ. (જે વર્તમાનકાળમાં નથી, તે અનંત ભૂતકાળમાં પણ નથી અને જે વર્તમાનકાળમાં નથી, તે અનંત ભવિષ્યકાળમાં પણ નથી) ભૂતકાળનું અનંત અસ્તિત્ત્વ અને ભવિષ્યકાળનું પણ અનંત અસ્તિત્ત્વ તેનું એકમાત્ર પ્રમાણ માત્ર વર્તમાન જ છે. જે છે તેમાં જ શાશ્વત ભાવો પણ છે અને અશાશ્વત ભાવો પણ છે. જે વર્તમાનમાં નથી તે ભૂત, ભવિષ્યમાં પણ નથી. પરંતુ આ સિદ્ધાંત સ્યાદ્વાદ સપ્તભંગીના ન્યાય પ્રમાણે સ્યાદ્ નાસ્તિની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી તે સમજવું રહ્યું.
આ કાળગતિની વાત અતિ ગૂઢ હોવાથી ઘણા અર્થમાં શબ્દાતીત છે. અને તેથી તેને સપ્તભંગીના ચતુર્થ ભંગમાં અભિવ્યકત કરવી પડે તેમ છે અને તે છે સ્યાદ્ અવકતવ્ય. અવકતવ્ય પદ ઉપર આગળ વિવેચન આવશે. અસ્તુ.
અહીં આપણે ‘અત્ર' શબ્દની વ્યાખ્યામાં કવિરાજે વર્તમાનકાળનો આશ્રય લીધો છે. છતાં પણ આ ‘અત્ર' શબ્દ ત્રિકાળવાચી છે અને ત્રિકાળવાચી હોય તો તે ત્રૈકાલિક સિધ્ધાંત બને છે.
અત્રનું તાત્પર્ય : ‘અત્ર’ શબ્દની કાળવાચી વ્યાખ્યા કર્યા પછી આપણે સ્થાનનું અવલંબન પણ વિચારીએ. જે સ્થાનમાં અને જે ક્ષેત્રમાં અજ્ઞાન, મિથ્યાત્ત્વ, અવિવેકના આધારે મોક્ષમાર્ગ લુપ્ત થઈ ગયો છે તેવા આ ભરતક્ષેત્રમાં અથવા કૃપાળુ ગુરુદેવ જે ક્ષેત્રમાં ઊભા છે તેની આસપાસના ક્ષેત્રમાં તેમને જે મોક્ષમાર્ગનો લોપ દેખાય છે તેને આશ્રીને તેઓ કહે છે કે અહીં અમે અર્થાત્ આ ક્ષેત્રમાં અમે અગોપ્ય ભાવે મોક્ષમાર્ગનું વિવેચન કરશું. આમ ‘અત્ર' શબ્દ વર્તમાનક્ષેત્રને આશ્રીને પણ ઉલ્લેખ પામ્યો છે પરંતુ પરોક્ષ રીતે કાળ ને ક્ષેત્ર એ બન્ને પોતાની રીતે દુષિત થતા નથી. તે કાળમાં અને તે ક્ષેત્રમાં વર્તમાને જે સમાજ છે તે સમાજ ગુણદોષનો ભાગી બને છે. જે ક્ષેત્રમાં મિથ્યાત્ત્વનો વિકાસ થયો છે તે વસ્તુતઃ ક્ષેત્રનો વિકાસ નથી, પણ ધર્મના નામે પ્રસ્ફૂટિત થયેલા છે અને વિપરીત ભાવે આત્મકલ્યાણનો અવરોધ થાય તેવા ભાવો જે લોકો પ્રદર્શિત કરે છે અને તેના આત્મામાં, મનમાં, વિચારમાં જે પ્રદૂષણ જન્મ્યા છે તે બધાને લલકારીને ‘અત્ર' શબ્દ કહીને સંબોધ્યા છે. અર્થાત્ આ ક્ષેત્રમાં અને આ કાળમાં આવા વિકસિત થયેલા
૩૫