________________
અને ભિન્ન ભિન્ન સંપ્રદાયના આધારે લુપ્ત થયો હોય એવું કથન કરી મોક્ષમાર્ગ પર આવેલા આવરણને કે મોક્ષમાર્ગની લુપ્તતાને મહત્ત્વ આપી મોક્ષમાર્ગ સમજવો તે જરૂરી છે તેવો સંકેત મળે છે.
આમ ‘વર્તમાનકાળ" શબ્દ થોડું મહત્વ ધરાવે છે. વર્તમાનકાળ' શબ્દનો ઉલ્લેખ કરવાથી એક ગંભીર ભાવ પણ રહેલો છે. આ તર્કસિદ્ધ વ્યાખ્યા છે. કોઈ પણ દુઃષમ પરિણામ વર્તમાનકાળમાં ત્યારે જ પ્રગટ થાય, જ્યારે ભૂતકાળમાં તેના બીજ વવાયા હોય. ઈતિહાસ કહો, વિજ્ઞાન કહો, તર્કશાસ્ત્ર કહો અથવા પ્રકૃતિની સમરચના કહો આ એક સાર્વભૌમ સિદ્ધાંત છે. કોઈ પણ ભૂતકાળની ઘટનાઓ જ વર્તમાનકાળમાં પ્રગટ થતી હોય છે. કોઈ પણ ક્રિયાનો પરિપાક થતા, જૈનગણનાને આધારે અથવા અલ્પબહત્વ સિદ્ધાંતના આધારે, એક પરિપાક કરોડો વર્ષે પણ ફલિત થતો હોય અને એક પરિપાક કેટલાક અંતર્મુહુર્તના આધારે પણ ફલિત થતો હોય, તેને જૈન દર્શનમાં વિપાક કહેવામાં આવે છે, કર્મસિદ્ધાંતમાં તો સ્પષ્ટ ગણના કરવામાં આવી છે કે ઘણા કોટાનકોટિ વર્ષોની સ્થિતિવાળા કર્મ ફલિત થતા હોય છે. જડ પદાર્થોમાં પણ આ સિદ્ધાંત વ્યાપ્ત થાય છે. પાતાળથી લઈને સમગ્ર વિશ્વમાં અને આ પૃથ્વીના ઉદરમાં પદાર્થોના જે સ્વતઃ પરિવર્તનો થાય છે તેને આધારે વર્તમાનકાળમાં તેના પરિણામો મંજભાવે કે વિસ્ફોટ રૂપે પ્રગટ થતા હોય છે.
ઈતિહાસની દૃષ્ટિએ પણ સમાજમાં માનવજાતિના સમૂહમાં કે સંસ્કૃતિમાં કોઈ પણ વિકૃતિ એક દિવસના આધારે પ્રગટ થતી નથી પરંતુ ભૂતકાળમાં જેના બીજ વવાયા છે, તેવા ભાવો વર્તમાન રૂપે દષ્ટિગોચર થાય છે.
તો હવે અહીં આપણે “આત્મસિદ્ધિના બીજા પદનું સામાન્ય મૂલ્યાંકન ન કરતા ગંભીરભાવે તેનો ગૂઢાર્થ સમજવો રહ્યો. અહીં સિદ્ધિકાર કહે છે કે મોક્ષમાર્ગની લુપ્તતા વર્તમાનકાળમાં દષ્ટિગોચર થઈ રહી છે. આ લોપ્ય મોક્ષમાર્ગ વર્તમાનકાળનું ફળ છે, એમ ન માનતા ગંભીરતાથી તેનો વિચાર કરીયે તો તેના મૂળ ભૂતકાળ સુધી ફેલાયેલા છે, અને તેનું જ કવિને સંવેદન છે, કે વર્તમાનકાળ મોક્ષમાર્ગના અભાવે કેવો દુઃષિત થયો છે !
હવે આપણે આ કથનના ભૂતકાળનો થોડો વિચાર કરશું અને ભૂતકાળના ઈતિહાસમાં પ્રવેશ કરીશું. કવિશ્રીનું આ કથન કેટલું બધુ મહત્ત્વનું છે તેનું મંથન કરીશું.
ઐતિહાસિક ધારા : “ભગવાન મહાવીર પછીના બે હજાર વર્ષનો ઈતિહાસ અધ્યાત્મવાદની ધારા મંદ થઈ છે અને ક્રિયાકાંડનું મહત્વ વધ્યું છે, તે વાત સ્પષ્ટ થાય છે. જો કે શાસ્ત્રકાર સ્વયં આ વાતનો આગળમાં ઉલ્લેખ કરવાના છે. એટલે આપણે અહીં ઈતિહાસ ઉપર એક સળંગ દષ્ટિપાત કરીશું”.
ભારતના અન્ય સંપ્રદાયો, સનાતન ધર્મની શાખાઓ અને વેદ વિહિત માર્ગ, યજ્ઞના કે બીજા વ્યવહારિક શુદ્ધિના કર્મકાંડમાં ગૂંથાઈ ગયા હતા અને તેમાંય ધર્મને નામે હિંસાનો પણ પ્રવેશ થયો હતો, સાથે સાથે ધર્મના નામે મહિલાઓનું ઉત્પીડન અને સતીત્વ જેવી ભયંકર પ્રથાઓ અસ્તિત્વમાં આવી હતી. વેદાંતીનો અને સાંખ્યનો શુદ્ધ અધ્યાત્મવાદ પણ પ્રાપ્યઃ લુપ્ત હતો.