________________
“ભાવયોગ” રૂપે નિહાળ્યો. પણ સાથે તે જાણવાનું છે કે કેવળ મળવા પુરતો માત્ર દ્રવ્યયોગ થાય, તો તે ઉત્તમ ઘડી હોવા છતાં વ્યર્થ ચાલ્યો જાય છે અને સાધક દરિદ્ર રહી જાય છે.
જો કે આ વિધાન આપણે કર્યું છે પરંતુ મૂળ શાસ્ત્રકારો એમ કહે છે કે – એકવાર પણ જો આવો સામાન્ય દ્રવ્ય દર્શનયોગ થાય તો પણ તે વ્યર્થ જતો નથી, તે “બીજ” રૂપે મનોયોગમાં અંકિત થાય છે અને કાલાન્તરે પુનઃ સદ્ગુરુના પરિચયથી વિકસિત થઈ, પલ્લવિત બની સાધકને મોક્ષ સુધી જવામાં સહયોગી બને છે. આ રીતે વિચારીએ તો ગમે તે રીતે પણ સદ્ગુરુનો પ્રત્યક્ષ યોગ થાય તો “સ્વચ્છંદ” આ જન્મ કે જન્માંતરમાં રોકાય અને જીવનું કલ્યાણ કરે. અસ્તુ. આટલી બારીક વિવેચનાથી ખ્યાલ આવી શકે છે કે તત્ત્વચિંતનના બિંદુઓ બુદ્ધિગ્રાહ્ય બને તો આત્મસિદ્ધિના આ પદોની મહાનતાનો ખ્યાલ આવે.
“પ્રત્યક્ષ સગુરુ” કહ્યું છે તેનો કેટલોક ભાવાર્થ કહી ગયા છીએ. તેના સંબંધમાં થોડું કથન કરી આ ગાથાનો પૂર્વાર્ધ પૂર્ણ કરીશું.
પ્રગટ ગુરુ : જૈન સંપ્રદાય કે બીજા અન્ય સંપ્રદાયોમાં ભૂતકાળના ગુરુઓ કે અવતારોનું મહત્ત્વ બતાવે છે છતાં પણ તેઓ એમ કહે છે કે – જે “પ્રત્યક્ષ સદ્ગુરુ” છે અથવા વર્તમાનકાળ માં જે ધર્મનું જ્ઞાન આપે છે, તે સાચા અર્થમાં જીવના વધારે ઉપકારી છે તેથી ગુરુ કે ભગવંત કે અવતાર તેના બે વિભાગ થઈ ગયા છે પરોક્ષ અને પ્રત્યક્ષ. સ્વામીનારાયણ સંપ્રદાયમાં યોગીજી મહારાજ “પ્રત્યક્ષ હરિ”ઉપર વધારે વજન આપે છે “હરિ” એટલે જે ભગવાન થઈ ગયા છે તે અને વર્તમાનમાં જે “હરિ” નું સ્વરૂપ સમજાવે છે તે “પ્રત્યક્ષ હરિ” છે. આ રીતે ઘણાં સંપ્રદાયો પણ “પ્રત્યક્ષ ગુરુઓ”ને અવતાર સમાન ગણે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે – “પ્રત્યક્ષ” અર્થાત્ વર્તમાનકાલીન જે સાધનાશીલ સદ્ગુરુ છે તે ઘણા ઉપકારી છે. અહીં પણ ગુરુદેવે “પ્રત્યક્ષ સદ્ગુરુ” એવો શબ્દ વાપર્યો છે, ગુરુઓ ભૂતકાળમાં જે કહી ગયા છે તેના આધારે બધી શંકાઓનું સમાધાન થઈ શકતું નથી. પરંતુ પ્રત્યક્ષમાં સદ્ગુરુ બધી શંકાઓનું સમાધાન કરી, બધા કાંટા કાઢી, જીવનું સાધનાક્ષેત્ર સરળ બનાવે છે. માટે “પ્રત્યક્ષ સદ્ગુરુ” ઘણા ઉપકારી થાય છે.
શાસ્ત્રકાર એક સચોટ ઉપાય બતાવ્યા પછી એક જરૂરી ચેતવણી પણ આપે છે. આ ચેતવણી પણ એક રીતે વૈજ્ઞાનિક અને તર્કયુક્ત છે. જે ઉપાયથી જે કાર્ય નિશ્ચિત રૂપે સિદ્ધ થતું હોય, તે વિપરીત ઉપાય કરવાથી અવશ્ય માઠું ફળ આવે. જે રીતે રસોઈ થતી હોય તેનો ક્રમ તોડી વિપરીત રૂપે કોઈ રસોઈ કરવા માંગે તો અવશ્ય બગડે, તે સ્વાભાવિક છે. અહીં તો શાસ્ત્રકાર ચેતવણીની સાથે ખરાબ પરિણામ બમણુ થઈ જાય કે ચાર ગણું પણ થાય એવી વાત કરે છે જે ગ્રાહ્ય છે.
સ્વચ્છંદ નિરોધના નિષ્ફળ ઉપાયો : આ વાકયમાં ગુરુદેવે “પ્રા” શબ્દ મૂક્યો છે, જે ઘણો જ મહત્વ ધરાવે છે. “પ્રાયે” શબ્દ એમ કહે છે કે કોઈ જાગૃત વ્યક્તિ હોય અને જ્ઞાન નિષ્ઠાવાળો હોય તો કદાચ વિપરીત ઉપાયમાં પણ સમતોલ રહી દુષ્પરિણામથી બચી શકે છે. આ