________________
સળંગ અર્થ એ છે કે સાધકને આત્મજ્ઞાન અથવા આત્માના અસ્તિત્ત્વને પ્રાપ્ત કરવા માટે અથવા તેનો સ્વીકાર કરવા માટે કેવળ શાસ્ત્ર કે સદ્ગુરુ ન હોવા છતાં સુપાત્ર જીવનો આધાર લઈ આત્મતત્ત્વના અસ્તિત્ત્વનો નિર્ણય થઈ શકે છે. જો આત્માનું અસ્તિત્ત્વ સિધ્ધ થાય તો ભૌતિકવાદથી હટી નાસ્તિકવાદના પંજામાંથી મુકત થઈ, સાધક એક સ્થિર કેન્દ્ર ઉપર પહોંચે છે. એટલે આત્માનું અસ્તિત્ત્વ એ ઘણો મહત્વપૂર્ણ સિધ્ધાંત બની જાય છે. આત્મસિધ્ધિની ૧૩મી ગાથા ગુરુદેવના મુખ્ય ઉપદેશની અને સૈદ્ધાંતિક પ્રકારની પ્રથમ ગાથા છે. પ્રથમ પગલું આત્માનું અસ્તિત્ત્વ છે. આત્માના અસ્તિત્ત્વ માટે જે શાસ્ત્રો છે તેને સમજવા કે વાંચવા તે પ્રથમ ઉપાય છે. ત્યારબાદ પ્રત્યક્ષ સદગુરુને શરણે જઈ આત્મતત્ત્વના અસ્તિત્વને સમજવું, તે બીજું પગલું છે. પરંતુ તેમનો પણ યોગ ન હોય તો નિરાશ થઈ અટકી જવાની જરુર નથી. આત્મતત્ત્વના અસ્તિત્ત્વની જેઓએ પ્રધાનપણે વ્યાખ્યા કરી, અસ્તિત્ત્વને વાગોળ્યો છે, કે તેવા સુપાત્ર જીવ પણ આધારભૂત બની શકે છે. સાર એ થયો કે આત્મતત્ત્વના અસ્તિત્ત્વ માટે ક્રમશઃ 'આ ત્રણે અવલંબન ઉપકારી છેઃ શાસ્ત્ર, સદ્ગુરુ અને સુપાત્ર. અહીં સદ્ગુરુનો યોગ નહીં એમ લખ્યું છે, તેથી તેનો અભાવ એવો અર્થ થતો નથી. સદ્ગુરુનો અભાવ નથી, પરંતુ તેનો યોગ બન્યો નથી, અથવા પરમ પુણ્યના અભાવે સાધકને હજી સદ્ગુરુ સાંપડયા નથી. પ્રબળ પુણ્યનો ઉદય થાય તો આ યોગ થાય. અહીં કવિરાજે નિષધાત્મક શૈલીમાં કથન કર્યું છે. પરંતુ તેનો વિધેયાત્મક અર્થ પણ સ્પષ્ટ છે કે સદ્ગુરુનો યોગ થાય તો કામ બને. અર્થાત્ આત્માનું અસ્તિત્ત્વ પ્રથમ સમજી
શકાય.
આ આખી ૧૩મી ગાથા મૂળભૂત સિધ્ધાંતની સ્થાપના કરી, આત્મજ્ઞાનનો પાયો નાંખે છે. આત્માનું અસ્તિત્ત્વ અથવા તેનો સ્વીકાર તે આત્મજ્ઞાનનો પાયો છે.
ગાથા ૧૪ ની પૃષ્ઠ ભૂમિ : ખરેખર આ ૧૪મી ગાથા ૧૩મી ગાથાના વિષયને પરિપુષ્ટ કરનાર ગાથા છે. ૧૩મી ગાથામાં જે વાત કરી છે અને આપણે સદ્ગુરુ માટેનો જે વિધિભાવ બતાવ્યો છે, તેનો સ્વયમ્ શાસ્ત્રકારે ઉલ્લેખ કર્યો છે, અર્થાત્ અસ્તિત્ત્વની વિચારણા માટે અને તેનો બોધ કરવા માટે બહુ મૂલ્યવાન સૂચના આપી છે. તે સૂચનાને પુષ્ટ કરવા માટે ફરીથી તે બાબતની ભલામણ પણ કરી છે, જેનો આપણે વિસ્તારપૂર્વક અર્થ કરીશું. પરંતુ ત્રણ પદમાં જે ભલામણ કરી છે અથવા જે બોધ શિક્ષા છે, તેનું પ્રતિયોગી તત્ત્વ અથવા વિપરીત આગ્રહ બુધ્ધિનો પરિત્યાગ કરવો તે ઘણું જ મહત્વપૂર્ણ છે. ચોથા પદમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. જે પણ વિચારણીય છે. આ ૧૪મી ગાથાની પૃષ્ઠ ભૂમિમાં બે વાત સ્પષ્ટ છે.
(૧) કરવા જેવું શું છે તે (૨) છોડવા જેવું શું છે તે.
આ બન્ને વિષય ઉપર ૧૪મી ગાથાનું સંકલન થયું છે અને તેમાં સાધક માટે ઉપર્યુકત મૂલ્યવાન, બે વાત કરી છે. આપણે હવે ૧૪મી ગાથાનો પાઠ કરી અને તેનો ઉલ્લેખ કરી તેના
ઉપર ભાષ્ય કરીશું.
૧૮૬