________________
સત્તા. અહીં આત્માની ત્રિકાળવર્તી સત્તા, સત્પણું કે અસ્તિત્ત્વ છે.
આપણે ‘સત્તા' શબ્દથી વ્યાખ્યાન કરીશું તે ‘અસ્તિત્ત્વ’ દર્શક છે. શાસ્ત્રોમાં પદાર્થની ‘સત્તાનું’ વ્યાખ્યાન થાય છે, મૂળ દ્રવ્યની સત્તા તર્કથી પ્રમાણિત થાય છે અને તે ‘સત્તા’ના આધારે સમગ્ર વિશ્વ પર્યાય પામે છે. વિશ્વમાં બે સત્તા મુખ્ય છે. જીવ સત્તા અને અજીવ સત્તા. એટલે ભગવાને તત્ત્વોમાં પ્રથમ શબ્દોની સ્થાપના કરી છેઃ જીવતત્ત્વ, અજીવતત્ત્વ. છએ દ્રવ્ય પણ આ બે ભાગમાં વહેંચાયેલા છે. ‘આત્મા’ જીવદ્રવ્ય છે, બાકી પાંચ દ્રવ્યો તે અનાત્મારૂપ છે. આ બધા દ્રવ્યનું નિરૂપણ શાસ્ત્રમાં થયું છે.
અજીવ દ્રવ્યનું અસ્તિત્ત્વ પ્રત્યક્ષ દેખાય છે, ઈન્દ્રિયો દ્વારા અનુભવાય છે. તેના અસ્તિત્ત્વ માટે વધારે સમજાવટની જરુરત નથી. નાસ્તિકો પણ અજીવ દ્રવ્યના અસ્તિત્ત્વને સ્વીકારે છે. જેથી અજીવદ્રવ્યનું અસ્તિત્ત્વ બહુ મહત્વપૂર્ણ નથી. પરંતુ જીવદ્રવ્યનું અસ્તિત્ત્વ ઘણું જ મહત્વપૂર્ણ છે. જેમાં ‘આત્મા’ કહેતા ચેતનતત્ત્વ, તેનું અસ્તિત્ત્વ મહત્વપૂર્ણ છે અને તેના અસ્તિત્ત્વ માટે સમજાવટની પણ જરુર છે શાસ્ત્રોનું મુખ્ય લક્ષ ‘આત્મદ્રવ્ય' ના અસ્તિત્ત્વ માટે છે. તેથી આ ૧૩મી ગાથામાં ‘આત્મ અસ્તિત્ત્વના' એમ ઉલ્લેખ કર્યો છે. ‘આદિ' કહીને અજીવ દ્રવ્યનું કથન કરેલ છે.
અહીં ‘આદિ’ શબ્દનો અર્થ અન્ય દ્રવ્યનું અસ્તિત્ત્વ છે અથવા વિરુધ્ધ એવા પરમાત્મતત્ત્વને પણ સ્વીકારવાની વાત છે. તેનું અસ્તિત્ત્વ સિધ્ધલોકમાં છે. જીવ સિવાયના અપ્રત્યક્ષ ભાવો છે તેના અસ્તિત્ત્વ વિષે પ્રત્યક્ષ પ્રમાણ નથી. પરંતુ શાસ્ત્રમાં જેનું કથન છે તેના અસ્તિત્ત્વનો પણ શ્રધ્ધાથી સ્વીકાર કરવો રહ્યો. આ બધા શાસ્ત્રો અસ્તિત્ત્વવાદી હોવાથી જે શાસ્ત્રોએ આમ કહ્યું છે તેનો સમાવેશ થાય છે. બધા શાસ્ત્રો નિરૂપક ભાવે' તત્ત્વોના અસ્તિત્ત્વની વાત કરે છે, અર્થાત્ નિશ્ચિતપણે કહે છે.
અહીં પ્રશ્ન એ થાય છે કે કેટલા શાસ્ત્ર માન્ય રાખવા અને કયા શાસ્ત્ર અમાન્ય કરવા. જો કે આ પ્રશ્નનો જવાબ ગૂઢ રીતે આ પંકિતમાં આવી જાય છે. અસ્તિત્ત્વવાદી શાસ્ત્ર માન્ય અને જેમાં અસ્તિત્ત્વનો સ્વીકાર ન હોય તે શાસ્ત્રો સહજ અમાન્ય બની જાય છે. આપણે ‘શાસ્ત્ર’ શબ્દની વ્યાખ્યા પાછળથી કરીશું. અહીં આ પૂર્વપદનો ઉત્તરપદ સાથે શું સંબંધ છે ? કારણ કે શાસ્ત્રનું કથન કરીને સીધી રીતે સદ્ગુરુનો અભાવ વ્યકત કરી સુપાત્ર જીવનું અવલંબન કરવાની વાત કરી છે. શાસ્ત્ર પછી સદગુરુનું સ્થાન આવે છે, જેથી અહીં કવિરાજે સદ્ગુરુને આવશ્યક માની, તેની ગેરહાજરીમાં શું કરવું તેનો ઈશારો કર્યો છે. વસ્તુતઃ એકલા શાસ્ત્રથી જ અથવા તેના ભાવો સમજવાથી ભકતનું સમાધાન થઈ જાય અને તે પૂર્ણ રીતે અસ્તિત્ત્વવાદી બને તે જરૂરી હતું. ફકત શાસ્ત્ર વાંચવાથી કે શાસ્ત્રના નિરૂપણથી સામાન્ય જીવ એકાએક આત્માના અસ્તિત્ત્વ સુધી પહોંચી શકતો નથી અને શાસ્ત્રના ગૂઢ રહસ્યોને પણ સમજી શકતો નથી. નિરૂપક શાસ્ત્ર હાજર છે પણ તેની સમજાવટ કરનાર ન હોય તો કાર્ય અધુરું રહે છે. ઘરમાં બધુ જ છે. પરંતુ દરવાજા ઉપર તાળુ છે. તાળુ ખોલનાર ન હોય ત્યાં સુધી ઘરનું રહસ્ય જાણી શકાતું નથી. એ જ રીતે ઘરમાં બધો સામાન છે. પરંતુ અંધારુ હોવાથી જોઈ શકાતું નથી. ત્યાં દીપની જરુર છે. બોટલમાં કિંમતી અત્તર છે. પરંતુ ઢાંકણ ન ખુલે ત્યાં સુધી સુગંધ પ્રાપ્ત થતી નથી. આ રીતે વિશ્વના લાખો લાખો
૧૮૨