________________
બીજા કોઈ આત્મલબ્ધિવાળા સાધકનો અનાદર કરે છે. આવો સાધક વસ્તુતઃ આત્મજ્ઞાનથી દૂર છે. આ અને આવા બીજા ઘણા દોષો સંભવિત છે. અહીં ટૂંકમાં ઈશારો કર્યો છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે વૈરાગ્ય અને આત્મજ્ઞાન બંને નિર્દોષ અને સ્વચ્છ હોય તો તે પરમ ઉપકારી છે. અહીં વૈરાગ્યને આત્મજ્ઞાનનું નિદાન માન્યું છે.
નિદાનની વ્યાખ્યા : નિદાનનો એક સામાન્ય અર્થ આપણે કરી ગયા છીએ. પરંતુ નિદાનનો અર્થ નિશ્ચય પણ થાય છે, અર્થાત્ વૈરાગ્ય નિશ્ચિત રૂપે અસ્તિત્વ ધરાવે છે અને આત્મજ્ઞાનની સાથે તે નિશ્ચય ભાવ જોડાયેલો હોય છે. જેમ કહ્યું છે કે વૈરાગ્ય તે આત્મજ્ઞાનનું નિદાન છે. તેનો અર્થ એ છે કે જ્ઞાનનો પ્રભાવ પણ નિશ્ચિત છે અને વૈરાગ્ય પણ નિશ્ચિત છે. નિશ્ચિત એટલે સ્થાયી તત્ત્વ. અમુક સમય સુધી રહે અને પછી લુપ્ત થાય એને નિશ્ચિત ન કહી શકાય. અહીં અનિશ્ચિત વૈરાગ્ય તે આત્મજ્ઞાનનું લક્ષણ નથી. જે અસ્થાયી વૈરાગ્ય છે અથવા ચંચળ છે, નિશ્ચિત નથી, તે આત્મજ્ઞાન સાથે યાત્રા કરી શકતું નથી, અથવા આવા ચંચળ વૈરાગ્ય વખતે આત્મજ્ઞાન હોતું નથી અને આત્મજ્ઞાન વખતે આવો ચંચળ વૈરાગ્ય હોતો નથી. આ રીતે નિદાન એ મહત્વપૂર્ણ શબ્દ બની જાય છે, જ્યારે આપણે તેનો અર્થ નિશ્ચિત કરીએ છીએ ત્યારે નિદાનનો અર્થ લક્ષણ કરશું તો તે એક તત્વ ન રહેતા આત્મજ્ઞાનનો એક આંશિક ભાગ છે તેમ સમજાશે. જેમ મીઠો રસ તે પાકી કેરીનું લક્ષણ છે. અહીં કેરી અને રસ ભિન્ન ભિન્ન નથી, તેમ વૈરાગ્ય અને આત્મજ્ઞાન ભિન્ન નથી, પરંતુ વૈરાગ્ય તે આત્મજ્ઞાનનું લક્ષણ છે, આત્મજ્ઞાનની ચેષ્ટા છે, આત્મજ્ઞાનનો એક ભાવ છે. લક્ષણ અર્થ કરવાથી નિદાન શબ્દ વધારે ભાવવાહી બની જાય છે.
નિદાન પરીક્ષારૂપ અને કસોટી રૂપ છે. આત્મજ્ઞાન તે કસોટી ઉપર ખરું ઉતરે તો તે વાસ્તવિક જ્ઞાન છે, તેમ કહેવાઈ ગયું છે. આ સિવાય નિદાનનો અર્થ સંકલ્પ એવો પણ થાય છે. શાસ્ત્રોમાં તપશ્ચર્યાના ફળ માંગે તેને પણ નિદાન કહેવાય છે. ત્યાં ખોટા સંકલ્પ રૂપ નિદાન છે. ' ત્રણ શલ્યમાં નિદાનને એક શલ્ય કહેવામાં આવ્યું છે. અર્થાત્ નિદાન એક કાંટો છે. નિદાન જ્યારે માઠા સંકલ્પનું રૂપ ધારણ કરે ત્યારે તે કાંટો બની જાય છે. જેમ કોઈ માણસ કોઈને મારવાનો સંકલ્પ કરે તો તે બીજા જીવ માટે કાંટો બની જાય છે અને એ જ કાંટાથી પોતે પણ વારંવાર મૃત્યુ પામે છે, તે જ રીતે તે જન્માંતરમાં પોતાને માટે કાંટો બની જશે. પરંતુ જો નિદાન સિધ્ધક્ષેત્રમાં પ્રવર્તમાન થાય અને જીવ જે વૈરાગ્યને ભજે છે તે વૈરાગ્ય તેના સંકલ્પનું ફળ હોવું જોઈએ અને આવો વૈરાગ્યનો સંકલ્પ તે આત્મજ્ઞાનનું નિદાન છે. અહીં નિદાનનો શુધ્ધ સંકલ્પ એવો અર્થ કરીએ છીએ અને આવા શુધ્ધ સંકલ્પનું નિદાન તે વિભાવોનો નાશ કરવા માટે કાંટાનું કામ કરે છે. આ પ્રમાણે વ્યાખ્યા કરવાથી શુધ્ધક્ષેત્રમાં નિદાન એક મંગલમય કાંટો બને છે અને તે સોઈનું કામ કરે છે. કાંટો પણ કાંટો છે અને સોઈ પણ કાંટો છે. પરંતુ સોઈ ખરાબ કાંટાને ઉખેડી માનવી માટે સુખનું કારણ બની જાય છે. અહીં કહેવાનું તાત્પર્ય છે કે આત્મજ્ઞાનની સાથે આવો સંકલ્પમય પરિપકવ વૈરાગ્ય હોય છે, તે હળદરના રંગ જેવો નહીં, મજીઠીયા રંગ જેવો હોય છે. એક વખત વૈરાગ્યનો રંગ ચડયો છે તો બધા રાગથી મુકત રહી આત્મજ્ઞાનનો સહચારી બની, તે આત્મજ્ઞાન માટે અલંકાર બની જાય છે. માટે જ અહીં સિધ્ધિકાર કહે છે કે આત્મજ્ઞાનની