________________
સમતારહિત : કણનું સુખ અને મણનું દુઃખ ?
જો જીવનમાં સમભાવ નથી તો વિષમતાનું દુઃખ જ છે. મરૂભૂમિમાં ગ્રીષ્મઋતુના તાપથી તપ્ત કોણ નહી હોય? તેમ સંસારમાં સમભાવ રહિત વિષયજવરના દાહમાં કોણ તપ્ત નહિ હોય? સાંસારિક એક કણના સુખ માટે મણનું દુઃખ શા માટે ઉત્પન્ન કરવુ? તે સમજવું જરૂરી છે.
બીજી રીતે વિચારીએ તો સમભાવની એક શુદ્ધ પળ અનંત કર્મોનો નાશ કરી સુખનો માર્ગ ખોલી દે છે. પરંતુ મતિજ્ઞાનનો ઉપયોગ અજ્ઞાનરૂપે પ્રવર્તીને પુદ્ગલમાં રસ અને સ્થિતિનું નિર્માણ કરે છે ત્યારે એ પુદ્ગલ - કાર્મણ વર્ગણા આત્મપ્રદેશને આવરે છે. આત્મશક્તિરૂપ આત્મા જ સ્વયં વાઘ મટી બકરી બની જાય છે.
એ કર્મબંધને અટકાવવા સામાયિકધર્મ છે. કર્મબંધનું કારણ મમત્વ છે. તે સમત્વ ભાવથી નષ્ટ થાય છે. સમત્વભાવ સામાયિકની નીપજ છે. એ ભાવની પ્રાપ્તિ માટે દ્રવ્ય સામાયિક બતાવ્યું છે. વિધિ સહિત કરેલું દ્રવ્ય સામાયિક સમત્વ ભાવમાં લઈ જાય છે. વળી સામાયિક ચારિત્રગુણની અવસ્થા છે દ્રવ્યથી ચારિત્ર નિયમ અને પ્રતિજ્ઞારૂપ છે. ભાવથી આત્મસ્વરૂપમાં નિરંતર રમણતારૂપ છે.
સવિશેષ ભાવ સામાયિકનો મર્મ આત્મસ્વરૂપમાં નિર્વિકલ્પપણે ઉદાસીનપણે લીન થઈ રહેવું તે છે. આવું સામાયિક સકળ કર્મનો ક્ષય કરવાને સમર્થ છે.
દ્રવ્ય સામાયિક બાહ્ય પ્રવૃત્તિરૂપ છે. ભાવસામાયિકમાં પ્રવૃત્તિથી નિવૃત્તિ છે. ગુપ્તિ છે. મન, વચન, કાયાના યોગોનું પ્રવર્તન આત્મલક્ષી હોય છે. તેથી આત્મગુણોનો વિકાસ થાય છે. ભાવ સામાયિકનું આવું રહસ્ય છે. તે સહજ શાંતિ અને સમતાને પ્રગટ કરનારું છે.
સમતા જ સમતા. યોગીઓ માટે મોક્ષના સુખ કરતાં પણ પ્રશમરસની નિમગ્નતાનું સુખ પ્રત્યક્ષ છે. કણથી મણ જેવું નહિ પણ અધધધ. સંસારી માટે કણનું સુખ અને મણનું દુઃખ છે.
• સર્વ પ્રાણીઓને વિષે સમતા.
૪૫