________________
એટલે સમતાનો અભાવ સર્વ પ્રાણીઓ વિષે સમતા, ઈન્દ્રિયોના વિષયો પ્રત્યે સમતા. પરપદાર્થોની માંગ પ્રત્યે સમતા, ચિત્તવૃત્તિઓના વિકારો પ્રત્યે સમતા કેવળ સમતા.. સમતા....
૪. સર્વ જીવો પ્રત્યે બંધુતા કે મિત્રતાની ભાવના : સમાન્ય રીતે જ્યારે જીવો એકલી ક્રિયા કે ફકત સિદ્ધાંતને પકડે છે ત્યારે તે તે વિધાનો સાંકડાં થઈ જાય છે. વાસ્તવમાં વિધાનોની વિશાળતા સમગ્ર સૃષ્ટિ સાથે સંકળાયેલી છે. સામાયિકની ક્રિયામાંથી જ્યારે નિષ્ઠા જન્મે છે, ત્યારે જિનાજ્ઞા જીવમાં પરિણમે છે, તેથી સામાયિક કરનારના ભાવ વિશ્વના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવયુક્ત કે બંધુત્વયુક્ત હોય છે. સમભાવી આત્માને કોઈ શત્રુ હોતો નથી. શત્રુને ઉપકારી માની શત્રુતાને છેદી નાંખે છે. મિત્રતા અને બંધુતા એ સમગ્ર જીવરાશિ પ્રત્યેના ચૈતન્યની એકતા છે. જીવન એવું નિખાલસ હોય છે કે ક્યાંક વૈરવિરોધ થતો નથી. તેનું સામાયિક વૈરાગ્યથી વાસિત હોય છે.
૫. રાગ દ્વેષને જીતવાનો પ્રયત્ન : સામાયિક એ આત્મિકભાવની ક્રિયા છે. રાગ અને દ્વેષ વિષમભાવ છે. સાંયોગિક સંબંધના ભાવ છે. અજ્ઞાનવશ ગ્રહણ થયા છે. તેની વર્તમાન દશાનું ભાન સાધકને છે. તેથી તેના સામાયિકનું સર્વ પ્રયોજન રાગ-દ્વેષને દૂર કરી સમભાવમાં રહેવાનું છે અને નિર્જરાને પ્રગટ કરવાનું છે.
૬. સમ્યગ્રજ્ઞાન અને સમ્યગચારિત્રની સ્પર્શના સમભાવરૂપી સામાયિક આત્મશક્તિનો લાભ આપનારું અંગ છે. સામાયિકવિધિ ભાવથી ન થાય તો તે આત્મશક્તિના અંગનો હ્રાસ કરે છે. વિધિવત્ કરેલું સામાયિક સમતાભાવનું સહાયક છે. તેથી જીવમાં રહેલું જ્ઞાન સમ્યગું બને છે, અને આચાર પણ સમ્યગું બને છે. સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર એ પૂર્ણ મોક્ષમાર્ગનાં સાધન છે.
૭. શાંતિની આરાધના વિભાવદશા રહિત આત્મશાંતિની આરાધનાનું પ્રેરકબળ સામાયિક છે. સ્વભાવ રહિત સર્વ અવસ્થા વિભાવ જનિત છે, વિભાવ એ કર્મબંધનું કારણ છે. કર્મબંધ અશાંતિનું કારણ છે. આવી દુષ્ટ પરંપરાને તોડવા સામાયિક વડે થતો સમભાવ તરણોપાય છે. શાંતિચાહકે સામાયિક અવશ્ય કરવું.