________________
સામાયિક એ પરમ મંત્ર છે, જેના પ્રભાવે રાગ-દ્વેષનાં કાતીલ ઝેર પણ પળવારમાં ઉતરી જાય છે.
સામાયિક એ જિનાજ્ઞા સ્વરૂપ છે. આશ્રવનો સર્વથા ત્યાગ અને સંવરનો સ્વીકાર આ છે જિનાજ્ઞા.
સામાયિક દ્વારા સર્વ પાપનો પરિહાર અને જ્ઞાનાદિ સદનુષ્ઠાનોનું આસેવન થાય છે. તેથી તેમાં સર્વ આશ્રવનો નિરોધ અને સંપૂર્ણ સંવરભાવ રહેલો છે.
સામાયિકના અધિકારી કોણ?
સામાયિક જેવી મહાન મોક્ષસાધના તેના યોગ્ય અધિકારી વિના સફલ કયાંથી બને? સામાયિકના સાચા અધિકારી કેવા હોવા જોઈએ ને અહીં બતાવવામાં આવે છે.
જેનો આત્મા સંયમ, નિયમ અને તપની આરાધનામાં જ સદા સંલગ્ન-જોડાયેલો હોય, હાલતા-ચાલતા કે સ્થિર (ત્રસ કે સ્થાવર) સકળ પ્રાણીગણ ઉપર સમભાવ-માધ્યસ્થ ભાવવાળો હોય અર્થાત્ સર્વ જીવોને પોતાના આત્માની જેમ સમાન દૃષ્ટિથી જોનારો હોય તે જ આ જિનપ્રણીત સામાયિક ધર્મનો સાચો અધિકારી છે.
સામાયિક કરવું એટલે માધ્યસ્થભાવમાં રહેવું-રાગદ્વેષની મધ્યમાં રહેવું એટલે કે બેમાંથી એકનો પણ આત્માને સ્પર્શ ન થવા દેવો, પરભાવથી વિરમી સ્વભાવમાં સ્થિર થવું. સામાયિક એ આત્મસ્વભાવમાં તન્મયતા પ્રાપ્ત કરવાની એક અનોખી, દિવ્ય કળા છે. સંયમ, નિયમ અને તપના સતત અભ્યાસ દ્વારા સામાયિકને આત્મસાત્ બનાવી શકાય છે. ૧. સર્વવિરતિ સામાયિક પ્રાપ્તિના ઉપાય :
સર્વવિરતિ સામાયિકના અભિલાષી આત્માએ પોતાના જીવનની તમામ પ્રવૃત્તિને મોક્ષમાર્ગને અનુકૂળ બનાવવી જોઈએ, એટલે કે માર્ગાનુસારિતા તથા સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર આદિ ગુણોની ખિલવણી થતી રહે એવી વૃત્તિ-પ્રવૃત્તિ કરવી જોઈએ, પણ મોક્ષની સાધનામાં વિદનભૂત પ્રવૃત્તિ ન કરવી જોઈએ. (ચારિત્ર ગ્રહણ કરવું)
જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલા તત્ત્વો ઉપર અખંડ શ્રદ્ધા પ્રગટાવવી.
१८४