________________
૩૯. ઈરિયાવહી સૂત્રઃ શિવમસ્તુ સર્વ જગતઃ (લઘુ પ્રતિક્રમણ)
પરમપવિત્ર પંચપરમેષ્ઠિને નમસ્કાર કરી. ગુરુજનોની વિનય સહિત સ્થાપના કરી. તેમને સ્વ-ઈચ્છા વડે વંદન કરી, હવે જગતની જીવરાશિની હિતચિંતવના કરી યોગને શુદ્ધ કરવાના છે. જેને ઈરિયાવહી સૂત્ર કહે છે.
અહીં ગુરુની આજ્ઞા અને સ્વ-અભિલાષાનો સુમેળ છે.
ગુરુ ભગવંતના અનુગ્રહ સાધક પાપથી પાછો વળવા ઈચ્છે છે. બાહ્ય પ્રકારે ગમનાગમનમાં જે કંઈ દોષ લાગ્યો હોય તે અને અંતરંગ દૃષ્ટિએ સ્વભાવથી વિચલિતપણું થયું હોય તે. એથી દૂષિત થયેલા આત્માને શુદ્ધ કરી સ્વભાવમાં લાવવા માટે પ્રતિક્રમણ - પાપથી પાછો વળવા ઈચ્છું છું.
સ્વભાવમાં સ્થિત થવા સમ્યગુદર્શનાદિની આરાધના કરવાની છે. તેનું યથાવિધિપાલન ન થાય તો તે વિરાધના છે. આરાધનામાં મનની અશુદ્ધિ કે અવિધિ થાય તે વિરાધના છે. તે ચાર પ્રકારે થાય છે.
અતિક્રમ : આરાધનના ભંગ વખતે પાછો ન વળે. વ્યતિક્રમ : વિરાધના કરવામાં તત્પર થાય. અતિચાર : પ્રતિજ્ઞાભંગનું કંઈક સેવન થાય. અનાચાર : પ્રતિજ્ઞાભંગનું પૂર્ણ સેવન કરે છતાં ખોટું ન માને.
જગતમાં પ્રાણીમાત્રના શરીરનો નિર્વાહ અન્યના પ્રાણના ભોગે થાય છે. જંતુ હો કે માનવ હો, વળી મન, વચન અને કાયાની તમામ પ્રવૃત્તિમાં જંતુથી માંડીને કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારે પ્રાણ હાનિ થાય તે વિરાધના છે. દસ પ્રકારે આ વિરાધના થાય છે, તેવું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. તે સર્વ જીવોની ક્ષમા માંગું છું. આમ પોતાના કાર્યોનું અવલોકન કરીને અસત્ કાર્યોનો પ્રશ્ચાત્તાપ કરી આ સૂત્રથી ભાવશુદ્ધિ કરવામાં આવે છે.
જ્યાં સુધી હિંસા આદિ અસત્ ક્રિયા કે કાર્યોનું ભાન નથી, તેનો પશ્ચાતાપ થાય નહિ, ત્યાં સુધી પાપથી છૂટાતું નથી. પરંતુ સદગુરુ યોગે, તેમના બોધે જ્યારે જીવને ભાન થાય છે, ત્યારે તે દુષ્કૃત્યો છૂટી જાય છે. આ ઈરિયાવહી સૂત્ર ચૈત્યવંદન જેવા દરેક અનુષ્ઠાનની પહેલા ભાવશુદ્ધિ માટે પ્રાયશ્ચિતરૂપે કરવાનું અવશ્યનું છે.
૧૪૫