________________
રપ. સામાયિક બહુમૂલ્ય અધિષ્ઠાન અને અનુષ્ઠાન :
સામાયિક ધર્મના પવિત્ર પ્રવાહના સ્રોતનું મૂળ શ્રી તીર્થકર પરમાત્મા છે. જેમણે તપ, ત્યાગ, સંયમ જ્ઞાન અને અંતરંગ શુદ્ધિ વડે સામાયિક ધર્મનો સાક્ષાત્કાર કર્યો. અને સર્વપ્રથમ ઉપદેશ પણ સામાયિક ધર્મનો આપ્યો. જે આગમ ગ્રંથોમાં યથાર્થરૂપે વિદ્યમાન છે. જેના અધ્યયન-ચિંતન દ્વારા સાધક આત્મિક આનંદનો અંશ પ્રાપ્ત કરી શકે છે.
સામાયિક બહુમૂલ્ય અધિષ્ઠાન છે. આવશ્યકનું મૂળ છે. પાપવ્યાપારથી મુક્ત કરતું જિનશાસનનું અંગ છે. સામાયિક દ્વારા પેદા થતો સમભાવ આધિ, વ્યાધિ, ઉપાધિનું શમન કરનાર ઔષધ છે. જૈનદર્શનના ચાહક કે વાહક દરેક ફિરકા-સંપ્રદાયને સામાયિક ધર્મ સર્વગ્રાહી છે. ભલે તેના વિધિવિધાનમાં અંતર હોય પણ તેનું મૂળ તત્ત્વ સર્વને માન્ય છે. એનો અર્થ જ એ છે કે સામાયિક શ્રેષ્ઠ અધિષ્ઠાન અને અનુષ્ઠાન છે.
શ્રુતજ્ઞાનનો સાર સામાયિક છે. (ચારિત્ર છે) જીવના મોહરૂપી અંધકારને દૂર કરી મોક્ષમાર્ગનાં દર્શન કરાવે છે. સામાયિક દ્વારા સાધકની સાધના (મોક્ષ) ફલવતી થાય છે.
યથાખ્યાતરૂપી ચારિત્ર સામાયિક દ્વારા પ્રથમ રસમાં લીન મહામુનિ સ્વયં જ્ઞાતા દ્રષ્ટા થાય છે.
સામાયિક મંત્રસ્વરૂપ છે, અર્થાત રાગાદિ પાપવ્યાપારયુક્ત વિભાવના વિષનો નાશ કરે છે.
સર્વજ્ઞ તીર્થકરે ઉપદેશેલો સામાયિક ધર્મ સ્વયં જિનાજ્ઞા છે. કારણ કે સામાયિક ધર્મ વડે આશ્રવનો નિરોધ થાય છે. સંપૂર્ણ સંવર અને નિર્જરા દ્વારા ક્રમશઃ જીવ મુક્તિ પ્રાપ્ત કરે છે.
દુષ્કૃત્ય ગહ, સુકૃત અનુમોદના અરિહંતાદિનું શરણ ત્રણે કર્તવ્યો સામાયિકમાં સમાય છે. નિંદામિ ગરિહામિ અપ્પાણે વોસિરામિ = દુષ્કૃત્ય ગહ ભંતે : અરિહંતાદિના શરણનો સ્વીકાર. કરેમિ સામાઈયઃ સુકૃતનું સેવન - અનુમોદન.
૧૦૩