________________
કરૂણા-દુઃખથી પીડિત સર્વ જીવો ધર્મ પામે તેવી ઉત્તમ ભાવના
કરવી.
માધ્યસ્થ-કુમાર્ગે ચાલતા જીવો પ્રત્યે દ્વેષ-રોષ ન કરતાં તેમના પ્રત્યે હિત બુદ્ધિ રાખવી.
આ ચાર ભાવના હૃદયમાં અને આચારમાં ગ્રહણ થાય તો જીવ ધર્મધ્યાનને યોગ્ય બને છે.
અનિત્યાદિ બાર ભાવના વડે જીવમાં વૈરાગ્ય ઉત્પન્ન થતાં ચિત્ત શુદ્ધિ ધર્મધ્યાનમાં પ્રવેશ કરાવે છે.
જીવાજીવાદિ નવ તત્ત્વ વિષયક ચિંતન ધ્યાનની સ્થિરતા માટે સહાયક બને છે.
વસ્તુના દ્રવ્ય, ગુણ અને પર્યાય વિષેનું સ્વરૂપ વિચારતા એકાગ્રતા વધે છે.
આમ વિષયની એકાગ્રતા ચિત્તશુદ્ધિનું કારણ બને છે. અને ચિત્તશુદ્ધિ ધર્મધ્યાન રૂપ થઈ આત્માના અનુભવને સંપ્રાપ્ત થાય છે.
ધ્યાન એ આત્માના પ્રદેશ-પ્રદેશે વ્યાપ્ત શુદ્ધતાને સ્પર્શવાનો ભાવાતીત માર્ગ છે. તે માર્ગને સમ્યપણે આરાધતાં પ્રગટતી શુદ્ધતાના અંશોના આવિર્ભાવો ઘણા ચમત્કારો સર્જે છે, તે દૈહિક નથી, તેનું સ્પષ્ટપણે ભાન રાખવું. એ વૈચારિક સ્પષ્ટતા અને સમાધાન છે, બાહ્ય સંયોગોમાં નિરાકુળતા, લોકપ્રિયતા, ભાવિ ઘટનાના સંકેતો, અદ્ભુત અનુભવનો અંતઃચેતનામય આનંદ, સમભાવની અનેરી અભિવ્યક્તિ, જીવનની ધન્ય ઘડીઓની પ્રતીતિ, વાસ્તવિક પરિવર્તન, જીવનક્રાંતિનું વીર્ય-બળ અને ગૃહસ્થપણામાં મુનિભાવની ઉત્કટ અભીપ્સા, આવા અનેક પ્રકારના ઉત્તમ જીવનપ્રવાહો પ્રગટ થાય છે.