________________
વિશેષ સંભાવના છે. પરંતુ વિરલ જીવોનું જ તે પ્રત્યે લક્ષ હોય છે. દેહદેવળમાં આવું પરમ નિધાન વિરાજમાન હોવા છતાં જીવો તેને બહાર શોધવા પ્રયત્ન કરે છે : આ જ સ્તવનમાં એ વાત સ્પષ્ટપણે કહી છે :
પરમ નિધાન પ્રગટ મુખ આગળ જગત ઉલ્લંઘી હો જાય, જિનેશ્વર
જ્યોતિ વિના જુઓ જગદીશની
અંધો અંધ પલાય જિનેશ્વર.” એક પ્રગટેલા દીવા વડે અન્ય દીવાઓને પ્રગટાવી શકાય છે. આત્માશ્રદ્ધા વડે ક્રમથી પરમતત્ત્વની પ્રાપ્તિ થાય છે. તેને માટે એકાન્તમાં ધ્યાનાભિમુખ થવું જરૂરી છે.
પ્રારંભમાં સાધક જયારે એકાંતમાં બેસે છે, ત્યારે સંસ્કારવશ મનમાં વિકલ્પો અને વિચારોનો ભારે કોલાહલ જણાય છે, પણ તેથી અકળાવું નહિ. એ વિકલ્પો કે વિચારો કેવળ અશુભ જ હોતા નથી. તેમાં આંશિક પ્રશસ્તધારા હોય છે; તેથી પ્રયત્નપૂર્વક શુભાશુભ વિચારોની ગૌણતા કરી જ્ઞાનની મુખ્યતા રહે તેવો પ્રયાસ કરવો. જ્ઞાનધારા વડે ચિત્ત, સ્થિરતા પામે છે. અને તેમાંથી કોઈ પળો ધ્યાનદશારૂપે પરિણમે છે. તેવો અનુભવ અવશ્ય થાય છે. આ સાધકનું અંતરંગ છે. જો આત્મવિચાર કે તત્ત્વચિંતનનો પ્રયાસ જ ન થાય તો ધ્યાનદશાના ક્રમનો પ્રારંભ જ શકય નથી. સાધક આત્મલક્ષે પુરુષાર્થ વડે આગળ વધતો જાય છે.
સઉપદેશ તે ચક્ષુને અંજનના ઉપયોગ જેવો છે. અંજન વડે ચક્ષુનો રોગ દૂર થાય છે તેમ સઉપદેશ વડે અંતરદૃષ્ટિ ખૂલે છે. દોષો દૂર થાય છે. સાધનામાં વિવેકનું સ્થાન :
પરમાર્થમાર્ગમાં વિવેકનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. સત્યાસત્યની, આત્મા-અનાત્માની અથાત્ જડ-ચેતનની યથાર્થ સમજ તે વિવેક છે. જીવનસાધનામાં વિવેક વડે સાધક પરમાર્થમાર્ગને સરળતાથી સાધી શકે છે.
૨૩