________________
૧. ધ્યાન એક પરિશીલન
વિષયની ગહનતા :
ધ્યાન એ માનવજીવનની ઉચ્ચતમ ભૂમિકા છે, સર્વોચ્ચ કક્ષાની સાધના છે. માનવજીવનમાં તેનો સ્ત્રોત વહેતો થાય, માનવ દુઃખ અને કર્મકલેશના ભારથી હળવો બને કે મુક્ત થાય, તે માટે ધ્યાનમાર્ગનું જીવનમાં અગત્યનું સ્થાન છે. તે કોઈ મનોરંજન કે ગતાનુગતિક ક્રિયા નથી. અનાદિથી પ્રાપ્ત વિનશ્વર દેહ અને દુન્યવી સુખોથી, તૃષ્ણાથી ઉપર ઊઠી માનવ આત્મલક્ષે દઢ સંસ્કારો ગ્રહણ કરી પાવન બને તે માટે ધ્યાન એ ઉત્તમ સાધન છે.
ધ્યાનમાર્ગની સાધનાને અસાધારણ ગણી પુરુષાર્થહીને થઈ ઉપેક્ષા કરવા જેવું નથી, અને સાધારણપણે કોઈ કુતૂહલવશ કરવાની ક્રિયા છે તેમ માની, કે આથી કોઈ દુન્યવી લાભ થશે તેવી અપેક્ષા પણ કરવા જેવી નથી. ધ્યાન એ જીવનસાધના છે, વાસ્તવિક રીતે એક અંતરયાત્રા છે. એને નિષ્ઠાપૂર્વક અપ્રમાદપણે આદરવામાં આપણું સર્વોત્તમ શ્રેય છે.
વિવિધ વિષયો દ્વારા ધ્યાનમાર્ગના જુદા જુદા અભિગમો પ્રસ્તુત ગ્રંથમાં રજૂ કરવામાં આવ્યા છે. આ ગ્રંથનો એક વાર અભ્યાસ કરવાથી સંભવ છે કે, પ્રસ્તુત વિષય ગ્રહણ થઈ ન શકે, પરંતુ વારંવાર વાંચવા-વિચારવાથી ચિત્તમાં તે વિષયનો મર્મ ‘રાસાયણિક પ્રક્રિયાની જેમ પરિણામ પામે છે. તેથી આત્મા ધ્યાનમાર્ગમાં સહેજે પ્રેરાય છે. આ રીતે જીવનનું રૂપાંતર થવું તે એક “ચમત્કૃતિ' છે. . વર્તમાનકાળના સંઘર્ષોની આક્રાંત પરિસ્થિતિમાં માનવને શાંતિ આ માર્ગે જ મળશે, એ બાબતમાં નિઃશંક થવું, અને મુનિઓનાં જીવનનું આ સત્ત્વ અંશે પણ ગ્રહણ કરી માનવે અસાર અને કલેશમય જીવનથી મુક્ત થવા આ માર્ગે પ્રયાણ કરવું હિતાવહ છે.
આ માર્ગ અપરિચિત કે અઘરો લાગે તો પણ એક વાર સાહસ કરીને તેમાં પ્રવેશ કરવો, તે પછી અભ્યાસ વડે સમજાશે કે આ માર્ગ જ માનવ માટે તરણોપાય છે. વળી વિવેકપૂર્વક યોગ્ય સદ્ગુરુ કે