________________
આ સર્વ સ્થાનકોમાંથી કોઈ પણ સ્થાને ચિત્તને લગાડી સ્થાપન કરી વધારે વખત સુધી જાગૃતિપૂર્વક જ્યાં ચિત્ત શાંત થાય ત્યાં ચિત્તને સ્થિર કરવું તે ધારણા છે. ત્યાર પછી ગ્રંથકારે ધ્યાનના વિવિધ પ્રકારો દર્શાવ્યા છે.
જૈનદર્શન અન્વયે પાક્ષિક જેવા પ્રતિક્રમણમાં અતિચારમાં ધર્મધ્યાન-શુક્લધ્યાન ધાયા નહિ જેવો ઉલ્લેખ છે. કથંચિત આ કાળમાં તેનો અભ્યાસ કરીને જીવ તેવા સંસ્કારનું બળ મેળવી શકે તેવું બને. આખરી શુક્લધ્યાનના પરિણામ રૂપ કેવળજ્ઞાન અને કેવળદર્શન દ્વારા યોગી સર્વ કર્મથી મુક્ત થઈ સાદિ અનંતકાળ અનુપમ અધાબાધ અને સ્વભાવથી પેદા થયેલ આત્મિક સુખને પામે છે.
આ સુખ કેવળ આત્મસ્વભાવથી ઉત્પન્ન થયેલું છે. શરીરના અંગ વિનાનું હોવાથી તે દેહધારીના કોઈપણ જાતના સુખની ઉપમાથી અતીત છે.
માનસિક પીડા રહિત અવ્યાબાધ સુખ છે. આત્મસ્વભાવમાં મગ્ન રહેવાથી તે પરિપૂર્ણ સમાધિમાં છે. જીનેશ્વરોએ બતાવેલ ધ્યાન અને અન્ય દર્શનકારોએ બતાવેલા સમાધિનો સમાવેશ આ ધ્યાનના પ્રકારમાં થઈ જાય છે.
એકાગ્રતા : ધ્યાન માર્ગે ચિત્તની શુદ્ધિ અને એકાગ્રતા જરૂરી છે. ચિત્ત-મનને એકજ વિષય કે આકારમાં જોડી રાખવું તે એકાગ્રતા છે. ધ્યાન પહેલાની આ ભૂમિકા છે. એકાગ્રતા કરવા સાધકને ઘણી મહેનત પડે છે તે માટે પ્રથમ મનમાં ઉઠતા વિકલ્પોની અવગણના કરવી. અને જે ધ્યેય નક્કી કર્યું હોય તેવા વિચાર, ગુણ ચિંતન કે આકૃતિ પર સ્થિરતા કરવી. ત્યારે મન શાંત રહે છે. વળી ચિત્ત ચંચળ થશે. પરંતુ વારંવાર પ્રયત્ન કરવાથી સ્થિરતાનો વેગ વધશે. અને મનના વિકલ્પ બદલાશે અથવા શુભભાવમાં ટકી રહેશે. જે ઉત્તરોઉત્તર શુદ્ધિ તરફ લઈ શાંત થાય છે.
મનની એકાગ્રતાને કારણે શાંત થયેલું મન ધ્યાનમાં સહાયક બને છે, યદ્યપિ સામાન્ય સાધક શુભધ્યાન સુધી ટકી સંસ્કારદઢ કરે તો તો તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અન્વયે પરંપરાએ ધર્મધ્યાનાદિને પામી સંસારથી મુક્ત થાય છે. માટે સાધક માત્ર મનની એકાગ્રતા કેળવવી, ધર્મધ્યાનની આરાધના કરવી. અને આત્મસ્વરૂપને પામવા પૂર્ણ પુરૂષાર્થ કરવો.
૨૦૫