________________
આ. વિજ્ય કલાપૂર્ણસૂરિજીની અંતરની વાત
જણાવતાં અતીવ આનંદ થાય છે કે આ અદ્ભુત ગ્રંથરત્નનો પ્રથમ પરિચય કરાવનાર પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી છે.
પૂજ્ય પન્યાસજી મહારાજશ્રીના પ્રભાવક સમાગમમાં આવીને તેમજ તેઓશ્રીની વાત્સલ્યપૂર્ણ નિશ્રા મેળવીને અનેક આત્માઓએ પોતાના જીવનમાં અપૂર્વ પ્રેરણા મેળવી છે. તેમજ તેઓશ્રીએ ચીંધેલા માર્ગ પર ચાલીને આત્મરણકારવંતા જીવનનો અપૂર્વ આનંદ અનુભવ્યો છે તેમજ પ્રાતઃસ્મરણીય એ ગુરુવર્યના સઘન આશીર્વાદ તથા અનુગ્રહ મેળવીને ધન્યતા-કૃતાર્થતા માણી છે.
પૂ.શ્રીએ મને પણ પ્રત્યક્ષ અને પત્ર દ્વારા ઘણી પ્રેરણા આપી છે. તેવા એક કૃપાપત્રમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે ધ્યાન વિચાર પ્રકરણ જોયું હશે ન જોયું હોય તો એકવાર જોઈ જશો.
જ્ઞાનભંડારમાંથી તે ગ્રંથ મેળવી, પ્રાથમિક વાંચનથી આનંદ વિભોર બનેલા મારા આત્મામાં એવો અપૂર્વ ભાવોલ્લાસ પેદા થયો કે જાણે ગ્રંથરૂપે સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા સામે પધાર્યા હોય અને ધ્યાન યોગના અદ્ભૂત વિષયમાં કોઈ અભૂત પ્રેરણાનો દિગંત વ્યાપી પ્રકાશ પાથરી રહ્યા હોય !
આમ પૂજ્યશ્રીની પ્રેરણા અને પ્રભુના સંકેતને ઝીલીને આ ગહનગ્રંથનું લેખન થયું છે તેમાં મારું કશું નથી. ગ્રંથનું સંક્ષિપ્ત યથાવત્ આલેખન ધ્યાનયોગનો અધિકારી કોણ. - આત્માના ત્રણ પ્રકારમાં જણાવ્યું છે કે (૧) બહિરાત્મા જે દેહાદિ બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિ ધરાવે છે તે ત્યાજ્ય છે. (૨) આંતરદષ્ટિ ઉઘડતાં જ્યારે આત્મામાં આત્મબુદ્ધિ થાય છે તે અંતરાત્મા ધ્યાનયોગનો અધિકારી છે. (૩) જીવ જયારે પૂર્ણજ્ઞાન અને પૂર્ણાનંદમય પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે ત્યારે પરમાત્મા કહેવાય છે.
અંતરાત્મદશા વડે બહિરાત્મદશાનો ત્યાગ કરી પરમાત્મ દશાને પ્રાપ્ત કરવી તે માનવજીવનો સાર છે. અર્થાત્ ધ્યાનયોગનો સાચો અધિકારી અંતરાત્મા છે કે જેના વિષય-કષાયો ક્ષીણ થયા છે.
૧૪૭