________________
ધરતી માતા અલબત્ત, ઈર-કૉપિસ્ટની સૌથી વધુ કપરી ટીકા સરકારી ખેતીવાડી ખાતાનાં સંશોધન કેન્દ્રો, રાસાયણિક ખાતરોના ઉત્પાદકો અને તેમની સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોએ કરેલી છે. તેમની ટીકાઓને સાર આ પ્રમાણે છે :–
(૧) આપણે જમીનમાંથી જે પ્રમાણમાં પાક લેવો હોય છે, તે પ્રમાણમાં જમીન પાસે પૂરતાં પોષક તત્ત્વો હોતાં નથી. સેંદ્રિય ખાતરોમાં અમુક પ્રમાણમાં ખનિજ દ્રવ્યો હોય છે એ વાત ખરી; પરંતુ સેંદ્રિય ખાતરો એકલાં જ વાપરવામાં આવે, તે પાક માટે આવશ્યક હોય તેટલું બધું તે પૂરું પાડી શકતાં નથી. એટલે બહારથી આવશ્યક પ્રમાણમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ઉમેરવાં જ જોઈએ. જેમ ઢોર માટે જોઈતું ખાણ ખેતરમાંથી ન મળી રહે તો બહારથી લાવવું પડે છે, તેમ. ઉપરાંત, સેંદ્રિય ખાતરમાં પોષક તત્ત્વો મિશ્ર પ્રમાણમાં મેજૂદ હોઈ, વ્યવહારમાં આવશ્યક એવું ગણતરીબંધ પોષક તત્ત્વ જમીનને પૂરું પાડવાનું નિયંત્રણ શક્ય હોતું નથી.
(૨) આપણે રાસાયણિક ખાતરો મારફત જે દ્રવ્યો જમીનમાં ઉમેરીએ છીએ, તે બધી ફળદ્રુપ જમાનામાં સામાન્યપણે મોજુદ હોય છે જ. જમીનમાંનાં પોષક દ્રવ્યો મોટા ભાગે એવી રીતે મિશ્રિત થયેલાં હોય છે કે છોડને તેઓ પહોંચે તેમાં ઘણી વાર લાગે છે, ત્યારે કૃત્રિામ ખાતરો મારફત જમીનમાં ઉમેરાતાં રાસાયણિક દ્રવ્યો સીધાં છોડને જલદી પહોંચી જાય છે, અને એ અગત્યનો મુદ્દો છે.
રાસાયણિક ખાતર માટેની આ વકીલાતના ત્રણ હિસ્સા છે : (૧) કુદરત ખનિજ દ્રવ્યો પૂરતા પ્રમાણમાં જોગવી શકતી નથી, તેથી તે દ્રવ્યોની પૂર્તિ બહારથી કરવી જોઈએ; (૨) કુદરત છોડને જોઈતાં પોષક દ્રવ્યો નિશ્ચિત થઈ શકે તે માત્રામાં પૂરી નથી પાડતી, તેથી તેમના ઉપર કશું નિયંત્રણ શકય નથી; અને (૩) કુદરતની પ્રક્રિયા એટલી ધીમી હોય છે કે, આજની જરૂરિયાત તેનાથી પૂરી ન પડી શકે.