________________
૪૨
આટલા બધા બાંધવોમાંથી કોઈક બાંધવને પણ આ વાત સ્પર્શશે, તો હું સમજીશ કે મને આજના શ્રમનું મારું પૂરું મહેનતાણું મળી ગયું છે. હું પણ આજના દિવસને મારા જીવનનો ધન્ય દિવસ, એક મંગળમાં મંગળ દિવસ સમજીશ. એટલે, આજના દિવસ માટે કોઈ મારો આભાર ન માને, કારણ કે મને અહીં લઈ આવનારનો જ હું ખરો આભારી છું. - એકબીજાની સાથે આપણે વાતો થઈ આપણે એક બીજાને મળ્યા. દૂર દૂરના માનવો એક બીજાની સાથે મળે, એક બીજા સાથે માનવતાની વાત કરે, એવી તક અપાવનારનો આપણે આભાર માનવાનો છે. ક્ષમા અને મૈત્રીની વાત જીવનમાં ઉતારી આપણે એક બીજાનો આભાર માનીએ.
તમારી વિદાય લેતાં અને તમારાથી દૂર જતાં, મને વૃત્તિઓની કેદ સાંભરે છે. તમે થોડાં વર્ષો પછી આ કેદમાંથી છૂટી જશો, પણ જીવનની વૃત્તિઓની કેદમાંથી છૂટવું અતિ કઠણ છે. એ જેલમાંથી આપણે સો કેમ જલદી છૂટીએ, એ ભાવ જાગૃતિના આ પ્રકાશમાં માનવીને જાગે તો આજનો આ પ્રસંગ અવિસ્મરણીય ધન્ય થઈ જાય.