________________
926
હૃદય નયન નિહાળે જગધણી
વિરહની વેદના પીડતી હતી. પોતાની આ વેદના જ્યારે અસહ્ય બને ત્યારે ભક્ત, પ્રભુ આગળ તેની વેદના ઠાલવે છે અને ત્યારે ભક્તને ઓલંભા આપવાનો પણ હક છે. ભક્તોની દુનિયા ન્યારી હોય છે; તે ગમે તેવું કરે તો પણ તે દોષ પાત્ર બનતો નથી. કારણકે હૃદયમાં શુદ્ધપ્રેમનું ઝરણું અને નિખાલસતા વહી રહ્યા છે એવા આત્માઓ પ્રભુને ઠપકાઓ આપે તો પણ તે દોષરૂપ નથી. અશુભકર્મનો બંધ કરનાર નથી.
અહિંયા નિર્મળ પ્રેમરોગની ભરતી શબ્દ વાપર્યો છે તેનું કારણ એ છે કે એમાં પ્રકૃતિરૂપે રહેલું સ્ત્રીતત્ત્વ રાજીમતિના માધ્યમે વિલસી રહ્યું છે, જેમાં સ્વયંનું તત્ત્વ અકર્તાપણું-અભોક્તાપણું ભુલાઈ જવા પામ્યું છે.
હકીકતમાં તો પોતાનો અંતરાત્મભાવ-અંતરાત્મદશા એ જ મોટું આલંબન છે કે જેના માધ્યમે સ્વયંની જ્ઞાનચેતના જાગૃત થતાં પુરુષચૈતન્યમાં લીનતા સાધી શકાય છે અને પરમાત્મતત્ત્વ એવા નેમિનાથ ભગવાનને વરી શકાય છે. એવો આડકતરો ચિતાર શ્રીમદ્ આનંદઘનજી મહારાજે અણસારેલ છે.
શુદ્ધ નિશ્ચયનય તો સાતમા ગુણઠાણાના સમ્યક્ત્વને જ સમ્યક્ત્વ માને છે; ત્યાંજ સમ્યગ્ જ્ઞાન માને છે અને ત્યાં જ સમ્યક્ ચારિત્ર માને છે એટલે એના મતે તો સાતમા ગુણસ્થાનક પહેલા છઠ્ઠા ગુણઠાણા સુધી અજ્ઞાન જ છે અદર્શન જ છે અને અચારિત્ર જ છે; તેથી તેના મતે તો પ્રભુ આગળ ઠાલવવામાં આવેલી વિરહ વ્યથા કે જેમાં પ્રકૃતિરૂપે સ્ત્રીતત્ત્વ રાજીમતિના માધ્યમે વિલસી રહ્યું છે તે અજ્ઞાન જ છે અને તેથી તેને નિર્મળ પ્રેમરોગની ભરતી કહીએ તો તે કાંઇ ખોટું નથી. શુદ્ધ નિશ્ચયનય તો આત્મામાં ઠરી જવામાં જ ધર્મ માને છે, જે આત્માની નિર્વિકલ્પ દશા છે. તે પહેલાની વિકલ્પયુક્ત દશાને તે આત્મા જ કહેવા તૈયાર નથી.
શાતા-અશાતાથી અતીત થવું એટલે દેહાતીત થવું.