________________
888
હૃદય નયન નિહાળે જગધણી
જ્ઞાન-ક્રિયા, નિશ્ચય-વ્યવહાર, ઉત્સર્ગ-અપવાદ, બંને છેડાથી પરિસ્થિતિની અને વસ્તુતત્ત્વની યથાર્થ પરિપૂર્ણ સમજણ આપીને જગતને અંધકારમાંથી પ્રકાશનો, અજ્ઞાનમાંથી જ્ઞાનનો, ભોગમાંથી યોગનો, રાગમાંથી વીતરાગતાનો, અખંડ અને સળંગ મોક્ષમાર્ગ બતાવે છે.
વળી કોઇપણ વાતમાં એકાન્ત આગ્રહી ન થતાં અનેકાન્ત સાપેક્ષ વસ્તુતત્ત્વના સ્વરૂપનું નિરુપણ કરે છે. જે સર્વને ગ્રાહ્ય બને તેમ છે અને તેથી જ અન્યદર્શનની એક એક નય સાપેક્ષ 'વિચારણાને પોતાના સ્યાદ્વાદ દર્શનમાં સમાવી લે છે. અરે! આત્માને નહિ માનનાર નાસ્તિક ગણાતા ચાર્વાક દર્શનને પણ સમાવી લે છે. ચાર્વાક દર્શન પોતે આત્મા વગેરેને ન માનતું હોવા છતાં યોગીરાજ તેને જિનેશ્વર પરમાત્મા રૂપી પુરુષના એક અંગ ‘પેટ’માં સ્થાન આપે છે તેનું એક કારણ એવું પણ વિચારી શકાય કે ચાર્વાક અનાર્યદેશમાં તો જનમ્યો નથી આર્યદેશમાં જનમ્યો છે. એટલે આત્માનો વિધિ મુખે ભલે સ્વીકાર નથી કરતો પણ નિષેધ મુખે તો સ્વીકાર કરે છે. આત્માના અભાવના પ્રતિયોગી રૂપે તો આત્માનો સ્વીકાર કરે છે. આ રીતે તેને આત્મા શબ્દ તો યાદ જ છે માત્ર તેનું સ્વરૂપ જેવું છે તેવું તેને નથી બેસતું પણ આત્માને કોઇપણ રીતે સ્વીકાર કરે છે માટે તેને ક્યારેક આત્મા સમજાવાની શક્યતા રહે. જો ચાર્વાક અનાર્યદેશમાં જ જનમ્યો હોત અને આત્મા, મોક્ષ જેવા શબ્દો પણ ન સાંભળવા મળ્યા હોત તો ભાવિમાં પણ તેના ઉત્થાનની સંભાવના ન રહેત. કારણકે પશુને પણ જે માનવ બનાવે તે આર્યદેશ છે અને માણસને પણ હેવાન બનાવે તે અનાર્યદેશ છે. આમ ચાર્વાકમાં પણ યોગીરાજ ભવિષ્યમાં આત્માને સમજવાની સંભાવના જોઇ રહ્યા છે. અને આ સંભાવના તદ્દન પાયા વિનાની છે એવું પણ નથી.
સંસારી જીવના કર્તા-ભોક્તા ભાવ એ જ કાળ છે.