________________
સામાન્ય જિન સ્તવન 1227
જેને કોઈ અંજન નથી, કર્મના કાળા કલંક નથી, એવો જે નિઃઅંજન-નિરંજન, નિષ્કલંક છે, એવો મારો નાથ- મારો પરમાત્મા મને કેવી રીતે મળશે ? ‘કૈસે મિલેંગે ?'' ની પુનરુક્તિ કરે છે. ધૂન લગાવે છે અને પ્યાસ વ્યક્ત કરે છે. ક્યાં મળશે ? ક્યારે મળશે ? કેવી રીતે મળશે ? કોના થકી મળશે ? મળશે કે નહિ ? પરમાત્માના વિરહનો વલોપાત વ્યક્ત કરે છે.
દૂર દૂર જ્યાં સુધી દેખી શકાય, નજર જ્યાં સુધી પહોંચે ત્યાં લાંબે લાંબે સુધી દેખવાનો - પરમાત્માને શોધવાનો થાય તેટલો પ્રયત્ન કરું છું ! દરિયા ઉપર નજર માંડું છું ! ડુંગરના શિખર ઉપર, કોતરોમાં, ગુફામાં, બખોલમાં બધે જ શોધ શોધ કરું છું !
ઊંચે ઊંચે આકાશમાં જોઉં છું ! આકાશમાંના વાદળોમાં શોધું છું ! જમીન ઉપર ભૂતલમાં અને જમીનની નીચે પાતાળમાં એમ ચોમેર દશે દિશામાં જલમાં, સ્થળમાં, સ્વર્ગમાં, પાતાળમાં પરમાત્માને શોધતો હું ફરું છું. હઠયોગીની જેમ ધરતીમાં સમાધિ લઉં છું તો ત્યાં પણ તે મળતો નથી. જલસમાધિથી કે હિમાલયની હાડ ઠારી નાંખતી શીતળ કંદરાઓમાં પણ તે જડતો નથી.
બહારમાં બધેય ફરી વળતાં ક્યાંય તેનો અતોપતો મળતો નથી, તો ભીતરની હૃદયધરા ઉપર તેને ઢુંઢું છું-ખોજું છું-ખોળું છું ! પોતાના ખોળિયામાં પોતામાં જ એને હું ખોળું છું પણ ત્યાં હું એને ઓળખીપિછાની–પહેચાની શકતો નથી. અગ્નિ સહું છું ! એ ખોવાયેલાને ખોળવા પંચાગ્નિ તપ તપું છું ! પણ એમાં તો દેહ જલે છે - બળે છે. પરંતુ જે છું નહિ બળનારો અને નહિ બાળનારો એવો ઠરનારો અને ઠારનારો-સ્થિર
-
જેમ ત્રણ સરખી બાજુ અને ત્રણ સરખા ખૂણા મળતાં સમભૂજ ત્રિકોણ બને છે; એમ વીતરાગતા, સર્વજ્ઞતા અને નિર્વિકલ્પકતા; એ ત્રણે ભેગાં થતાં ત્રિભુવનપતિ બને છે.