________________
શ્રી મહાવીરજી 1207
શક્તિ છે જે છદ્મસ્થાવસ્થામાં યોગવીર્યરૂપે કાર્યાન્વિત થતી હોય છે. આત્મા જ્યારે જાગે છે ત્યારે તેટલા જ ઉત્સાહથી ત્યાંથી પાછા ફરી ઉમંગથી-ઉત્સાહથી આત્મયોગ સાધે છે. મારો આત્મા ભવિતવ્યતા અનુકૂળ થવાથી સંસારયોગ ત્યાગીને ઉમંગથી આત્મયોગ સાધી રહ્યો છે અને સાચા અર્થમાં યોગી બન્યો છે તેવો ગુઢાર્થ કવિશ્રી આ કડીમાં વ્યક્ત કરી રહ્યા છે.
જેમ જેમ ઉપયોગ શાંત થતો જાય છે, વિકલ્પો અલ્પ થતાં જાય છે, આવેલ વિકલ્પોના પણ દષ્ટા બનાય છે. તેમજ ઉપયોગ સ્વરૂપમાં લીનતા સાધે છે; તેમ તેમ ઉપયોગવીર્ય બળવાન થતું જાય છે અને ઉપયોગ દ્વારા ત્યાગ, તપ, સંયમનું પાલન જેમ જેમ યથાર્થ થતું જાય છે, તેમ તેમ યોગ, વીર્ય બળવાન બનતું જાય છે. યોગવીર્યની બળવત્તા, પ્રધાનપણે સ્વચ્છ,પુણ્યબંધ કરાવે છે, તેમ સારા સંસ્કારનું પણ આધાન કરે છે. જ્યારે ઉપયોગવીર્યની બળવત્તાથી પ્રધાનપણે સંવરનિર્જરા થાય છે ત્યારે તેના દ્વારા મોક્ષમાર્ગ સધાય છે. વીર્યાન્તરાયના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું વીર્ય એ ઉપયોગવીર્ય છે–આત્મવીર્ય છે.
દ્રવ્યદૃષ્ટિથી આત્મા પૂર્ણ હોવા છતાં પર્યાયમાં રહેલી અધુરાશ ખટકે, તો જ અપ્રમત્તપણે અંતરંગ પુરુષાર્થ થાય. યોગીરાજ આનંદઘનજીનું જીવન અને ઉપદેશ એ વાતનો અંગુલિ નિર્દેશ કરે છે કે, પર્યાયમાં અપ્રમત્તભાવ પ્રગટાવ્યા વિના કોઇને પણ, ક્યારે પણ મોક્ષપ્રાપ્તિ થઈ નથી અને થશે નહિ. માટે અધ્યાત્મમાં ઉમંગથી યોગી બનવા જેવું છે.
ઉમંગથી યોગી થતાં પહેલા અત્યાર સુધી આત્માને મળેલ વીર્યશક્તિ દ્વારા શું થયું છે ? તે જણાવે છે.
પાંસે છે અને છોડી દીધું છે તે પ્રાપ્તનો-પરિગ્રહનો ત્યાગ છે.
પાસે છે નહિ અને જોઈતું પણ નથી એ અપ્રાપ્તનો-અગ્રહણનો ત્યાગ છે-વૈરાગ્ય છે.