________________
શ્રી પાર્શ્વનાથજી
1187
હઠી જાય છે અને ભીતરના તિરોહિત જ્ઞાનના આવિર્ભાવ થઈ જાય છે. તે પણ એટલા સુધીનો કે ભલભલા પંડિતો અને શાસ્ત્રજ્ઞોને પણ તે આશ્ચર્ય મુગ્ધ કરી દે તેવો હોય છે.
પુસ્તકિયું જ્ઞાન હવાડાના પાણી જેવું છે. સાધના દ્વારા કે ગુરુકૃપા દ્વારા વિશુદ્ધિથી પ્રગટ થયેલું જ્ઞાન એ જલધર-પાતાળ કૂવામાંથી ફૂટતી સેર જેવું છે-કદી ન ખૂટે તેવી સરવાણી જેવું છે.
નિજ ગુણ પોતામાં જ રહેલાં છે. બહારથી તેને મેળવવાના નથી પણ અંતરમાંથી જ તેને બહાર લાવવાના છે એટલે કે ઉજાગર કરવાના છે. એ નિજગુણની પરસના-સ્પર્શના થાય તો તેમાંથી ગુણસુખ મળે તેમ છે અને તો સ્વગુણ પ્રસન્નતા આવે. અને એ પ્રગટ થયેલી પ્રસન્નતા વળી પાછા એ જ ગુણના રસીયા બનાવે અને પૂર્ણરસ મેળવવા પ્રેરીત કરે; તેથી ગુણો પૂર્ણપણે વિકસે એટલે કે પ્રગટે. પરિણામે પોતે પોતાને ‘ચિદ્દનઆનંદઘન’રૂપે અનુભવે.
પોતાનામાં જ આનંદઘનતા-પારસતા રહેલી છે, જેની ફરસનાસ્પર્શના આપણે કરવાની છે કે જેવી સ્પર્શના પાર્શ્વપ્રભુએ કરી છે કે જેઓ ચૈતન્યપુંજ પારસમણિ છે.
ઉપાદાન, નિમિત્તનું જે ભાવે અવલંબન લે, તે ભાવે કાર્ય થાય છે.
અત્યાર સુધી શ્રી અરિહંતપ્રભુ આપણને અનંતી વાર મળ્યા પણ આપણું ઉપાદાન અશુદ્ધ હોવાથી તેમનો ઉપયોગ ભૌતિક સ્વાર્થ સાધવા માટે કર્યો તેથી આધ્યાત્મિક સફળતા ન મળી. સાધક પરમાત્મા થવાના લક્ષે પ્રભુનું આલંબન લે તો પોતાના આનંદઘન સ્વરૂપને માણી શકે છે.
મોક્ષ એટલે ત્યાગ ! આઠ કર્મ અને શરીરનો ત્યાગ !
જ્યારે સંસાર એટલે આઠ કર્મ અને દેહનું ગ્રહણ.