________________
શ્રી પાર્શ્વનાથજી
-
145
સ્વાભાવિક પણે રુચિ અર્થાત્ આકર્ષણ રહે છે, જેને પ્રેમ કહેવાય છે પણ જ્યારે જીવ તેને ભૂલીને વિનાશી એવા દેહ-પત્ની-પૈસા વગેરે સાથે પોતાનો સંબંધ માની લે છે, ત્યારે તે “પ્રેમ” દબાઈ જાય છે અને કામ” ઉત્પન્ન થઈ જાય છે. જ્યાં સુધી કામ રહે છે ત્યાં સુધી પ્રેમ જાગૃત થતો નથી અને જ્યાં સુધી પ્રેમ જાગૃત થતો નથી ત્યાં સુધી કામનો સર્વથા નાશ પણ થતો નથી. કામનું નિવાસસ્થાન જડ છે. પ્રેમનું નિવાસસ્થાન ચેતન છે. એમ સમજીને કામ ને છોડતા જવાનું છે અને પ્રેમને પ્રગટાવતા જવાનું છે. કહેવાય છે કે રામ હોય ત્યાં કામ નહિ અને કામ હોય ત્યાં રામ નહિ. અહીં રામ શબ્દ આત્મા-આત્મત્વ અર્થમાં પ્રયોજાયેલો છે.
મન, વચન, કાયાની પ્રવૃત્તિ ફેરવવા તરફ જીવનું લક્ષ્ય રહે છે પણ લક્ષ્ય નિવૃત્તિ તરફ જોઈએ. કારણ દષ્ટા અયોગી છે, વીતરાગ છે, ઉપયોગ યોગમાં ન અટકતાં સ્વરૂપમાં સમાય તે મહત્વનું છે. તટસ્થ બનીને મનનું નિરીક્ષણ કરવું એ સાધના છે. મનને પ્રગટ થવા દેવું, - અભિવ્યક્ત થવા દેવું, ખુલ્લું થવા દેવું. મનમાં જે ક્રિયા થાય છે તેને રોકવી નહિ, દબાવવી નહિ, એની ઉપેક્ષા કરવી નહિ, એને લક્ષ્ય બહાર જવા દેવી નહિ, એને સાચા સ્વરૂપે સમજવાની ભૂલ કરવી નહિ, માત્ર એને શાંત બનીને જોવાની છે, એની સામે પ્રતિક્રિયા કરવાની નથી, પરંતુ મનની ક્રિયાને એના યથાર્થ સ્વરૂપમાં જાણવાની છે. જાણવાની ક્રિયા સમગ્રપણે કરવાની છે. સમગ્ર આત્મપ્રદેશે ઉપયોગવંત બનીને કરવાની છે. તે રીતે કરવાથી એ ક્રિયાની પુનરાવૃત્તિ નહિ થાય. ક્રિયાને રોકવી એ દમન છે અને ક્રિયાની પુનરાવૃત્તિ કરવી એ સ્વછંદ છે.
સાકર જેમ પાણીમાં અભેદ થાય છે-ઓતપ્રોત થાય છે તેવું પરમાત્મા સાથે અભેદ થવાનું છે.
દેહભાવે મટી જઈને સ્વયં પરમાત્મા બની જવું તે શ્રેષ્ઠ પરાભક્તિ છે.