________________
શ્રી પાર્શ્વનાથજી
1125
આત્માનો એ સ્વભાવ છે, કે જેનામાં શેયત્વ ધર્મ રહેલ છે તે સર્વ શેયો એના કેવલજ્ઞાનમાં-પૂર્ણજ્ઞાનમાં જણાઇ જ જાય. જાણવા માટે એને પરક્ષેત્રમાં જવું પડે નહિ અને પર રૂપે થવું પડે નહિ. પૂર્ણતા આવી જાય એટલે અપૂર્ણતાને સમજવી ના પડે. અપૂર્ણતા આપોઆપ જણાઈ જાયસમજાઈ જાય. પૂર્ણમાં બધું અપૂર્ણ સમાઇ જાય પણ અપૂર્ણમાં પૂર્ણ નહિ સમાય. વળી પૂર્ણમાંથી પૂર્ણ જ નીકળે અને શેષ પાછું પૂર્ણ જ રહે.
પૂર્ણની પૂર્ણતામાં ક્યારે અસમતુલતા-વિષમતા ન આવે તે જ પૂર્ણનો અગુરુલઘુ સ્વભાવ ગુણ છે. પૂર્ણની સમાન કોઈ છે નહિ તેથી પૂર્ણ અસમાન છે – અતુલ છે. તેથી અપૂર્ણ તત્ત્વ વડે, છદ્મસ્થ જીવ વડે તેને શબ્દથી સમજાવી શકાય નહિ. એ વચન અગોચર-અનભિલાપ્ય-અકથ્યઅવક્તવ્ય છે. ·
આત્મા અલક્ષ છે-અલખ છે-અકલ છે. પણ અનાત્મ પદાર્થોનું લક્ષ બેઠું છે તેથી વૈદિક દર્શનમાં આત્માને સમજાવવા માટે ‘નૈતિ, નેતિ”નો નિષેધાત્મક પ્રયોગ કરાયો છે. જે ‘છે’ તે તો સ્વ પદ હોવાથી અનુભવ ગમ્ય છે માટે જે પરરૂપે, તે નથી, એ નથી ને નથી નથી કહીને સમજાવવામાં આવે છે.
આ પરિણમન કેવું હોય છે તે પૂ.પાદ દેવચંદ્રજી મહારાજા શ્રી શ્રેયાંસનાથ પ્રભુના સ્તવનમાં સ્વોપજ્ઞ ટબામાં જણાવે છે કે
શ્રી શ્રેયાંસ પ્રભુ તે જીવદ્રવ્ય છે. જ્ઞાન-દર્શન-ચારિત્રના પરિણામ રૂપ સાધન રત્નત્રયી તેઓને સમ્યરૂપે પૂર્ણતયા પરિણમી છે તેથી તેઓ સિદ્ધ થયા છે. તે સિદ્ધપણે અસંખ્યાત પ્રદેશી છે, અનંત ગુણી છે, અનંત પર્યાયી છે. વળી તે પ્રભુનો પ્રત્યેક ગુણ ત્રણ-ત્રણ પરિણતિ રૂપ છે.
સાઘન સિદ્ધ થવા માટે છે અને નહિ કે અસિદ્ધ રહેવા.