________________
હૃદય નયન નિહાળે જગધણી
જૈનશાસનને માન્ય ક્રમિક વિકાસનો માર્ગ છે, એ રાજમાર્ગ છે, જે પુરુષાર્થ સાધ્ય છે. મોટા ભાગના આત્માઓ આ રીતે પુરુષાર્થ કરવા દ્વારા જ આગળ વધે છે.
862
જ્યારે સાંખ્યદર્શન દ્વારા બતાવેલ ભેદજ્ઞાનનો પ્રયોગ અને તે દ્વારા મોક્ષની પ્રાપ્તિ એ કૃપાસાધ્ય માર્ગ છે, જે વિહંગમ માર્ગ હોવા છતાં આપવાદિક માર્ગ છે. જો કોઇ વિશિષ્ટજ્ઞાની મહાપુરુષનો સમાગમ થાય અને તેની કૃપા થાય, તે કૃપાને જીવ ઝીલીને પરિણમાવે ત્યારે તે શક્ય બને છે. જૈનદર્શન આ બન્ને માન્યતાઓને સ્વીકારતું હોવાથી અર્થાત્ આ બન્ને રીતે મોક્ષ પ્રાપ્તિ કરી શકાય છે; એમ પ્રતિપાદન કરતું હોવાથી તે બન્ને દર્શનોને જિનેશ્વર પરમાત્માના ચરણોમાં, જે સ્થાન આપવામાં આવ્યું છે તે યથાર્થ છે.
અર્થાત્ યોગીરાજ કહે છે કે હે ભવ્યાત્મન્ ! તમે કોઈપણ જાતનો સંકોચ રાખ્યા વિના, ખેદ રાખ્યા વિના, અવઢવ રાખ્યા વિના, દુવિધા રાખ્યા વિના આ બન્ને દર્શનોને આત્મસાધનાના બે અંગરૂપ જાણો અને તેના દ્વારા અખેદે પરસત્તામાંથી નીકળી સ્વસત્તા-આત્મસત્તા તરફ વિહરણ કરો! આ બંને દર્શનોદ્વારા-તેમની માન્યતા દ્વારા પરની સાથેનું અનુસંધાન તોડી સ્વનું અનુસંધાન કરવાની અર્થાત્ શુદ્ધિકરણની ચારિત્રપ્રધાન સાધના થઈ શકે તેમ છે તેવું તમે નક્કી માનો!
જ્ઞાન એ નિર્મળ જલ છે. જ્ઞાનની પૂર્ણતા થતાં સર્વ ગુણો એકી સાથે પૂર્ણપણે ખીલી ઉઠે છે. જ્ઞાનની નિર્મળતામાં લોકાલોક ઝળકે છે. આ જ્ઞાનની સ્વચ્છતા અને એકાગ્રતા કરવામાં છયે દર્શનોનો તલસ્પર્શી મધ્યસ્થતાપૂર્વકનો અભ્યાસ ઉપયોગી થઈ શકે તેમ છે, તેવું તમે નિશ્ચિતપણે જાણો !
સમકિતનું કાર્ય વિરતિ છે અને વિરતિનું કાર્ય આવેલ સમકિતની સાયવણી કરી નિષ્કષાય ભાવ લાવી આપવા એ છે.