________________
શ્રી નેમિનાથજી
1095
આ કૃતિ દેખીતી રીતે તો દેવી રાજુલનો નેમિકુમાર માટેનો વિલાપ છે. જે ગર્ભિત રીતે ચેતના (પર્યાય)નો ચેતન (દ્રવ્ય) સાથે અભેદરૂપ પરિણમન માટેનો આર્તનાદ-પોકાર છે. એ ચેતનાની જાગૃતિના અને ચેતનની સાથે અભેદ થવાના તરફડાટ-તલસાટ હોવાના એંધાણરૂપ છે.
વળી આ કૃતિ દ્વારા યોગીરાજજીએ સ્ત્રી મોક્ષના સમર્થનથી ઉપાદાનની બળવત્તરતાને યોગ્ય રીતે ઉજ્જાગર કરેલ છે.
યોગીરાજજીનું કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યક્તિ નર હોય કે નારી પરંતુ મહીંનું ઉપાદાન તો પુરુષ-આત્મા જ છે, તે જો વિકસિત છે તો યોગ્ય નિમિત્તકારણ (નેમનાથજી)ને પામીને તે કારણરૂપ ઉપાદાન બનતા સ્વયંના કાર્યરૂપ ઉપાદાનતા કે જે કૃતકૃત્યતા સ્વરૂપ છે તેને નર હોય કે નારી પોતાના પૌરુષત્વ-આત્મત્ત્વને સ્વયં સ્વપુરુષાર્થથી પ્રગટ કરશે.
એ એક વરવી વાસ્તવિકતા છે કે જ્યાં સુધી નિમિત્તને પામીને કારણરૂપ ઉપાદાનતા આવતી નથી ત્યાં સુધી કાર્યરૂપ ઉપાદાનતા જે માત્ર સ્વપુરુષાર્થથી જ પ્રગટે છે તે પ્રગટ થતી નથી. એ જ કૃતકૃત્યતા છે.
૨૧મા નમિનાથના સ્તવનની જેમ આ ૨૨મા નેમનાથ ભગવાનનું સ્તવન પણ યોગીરાજજી આનંદઘનજી શ્વેતામ્બર મૂર્તિપૂજક આમ્નાયના હોવાનો નિર્દેશ કરે છે.
છતાં એ નિસ્પૃહી અલગારી અવધુતયોગી માટે તો એમ જ કહી શકાય કે એઓશ્રી વીતરાગ-સર્વજ્ઞના ઉપદેશેલ મોક્ષમાર્ગ આમ્નાયના ચાહક હતાં, આત્મસાત્ કરનાર હતાં. આત્મસાધકને સંપ્રદાયના વાડા નડતાં નથી.
દુઃખમાં જીવ દીન થતો નથી અને સુખમાં લીન થતો નથી; તેમાં કારણભૂત ઈશ્વરધ્યાન-સજ્ઝાય છે. મંદિર-મૂર્તિ-દેવ-ગુરૂ-ધર્મ-સત્સંગ, આદિથી જીવનમાં સંતુલન-સમતુલા આવે છે.