________________
શ્રી નેમિનાથજી 1065
આમ પ્રાણનાથ નિરધાર દ્વારા આનંદઘનજી મહારાજે રાજીમતિમાં આવેલ આંતરિક વળાંકની જ રજૂઆત કરી છે, પ્રાણનાથ એવા નેમિનાથ પ્રભુનું વ્યવહારે લક્ષ કરીને તત્ત્વથી તો સ્વયંના જે નિજપરમાત્મા કે જે પ્રાણનાથ છે તેને જ આરાધવાના છે. ‘પ્રાણનાથ’માં જે ‘પ્રાણ’ શબ્દ છે તેમાં ‘પ્ર’કાર પ્રકૃષ્ટપણાને બતાવે છે અને ‘ણ’કાર અણનમતાને દૃષ્ટિગોચર કરે છે અને ‘નાથ’ શબ્દ સ્વ-સ્વામી સંબંધને નિર્દેશે છે. તેથી આ બધાનો સરવાળો કરતા પ્રકૃષ્ટપણે અણનમ સ્વયંની આત્મજ્યોતિ સ્વરૂપ ચૈતન્ય પ્રાણપુરુષ ચૈતન્ય જ પ્રાણનાથ છે.
..
આમ ‘સ્વ’ સાથેના ‘સ્વામી' સંબંધની પૂર્ણ ઓળખ થતાં તેમાં જ તરૂપ થવું એવા ‘નિરધાર’ સાથે રાજીમતિ સ્વરૂપમાં વિલસવા લાગી. ‘નિરધાર' શબ્દ દ્વારા લક્ષિત એવા નિત્યનાથ, નિરંજનનાથ, નિર્મળાનંદ, નિત્યમુક્તપણામાં સ્વૈરવિહારી એવા સ્વયંના આત્મામાં રમણતા દ્વારા અનરાધાર સ્વરૂપને પામવું, એવા નિશ્ચયને પામીને • રાજીમતિએ નિજપરમાત્મા એવા પ્રાણનાથનું શરણ ગ્રહ્યું.
રાજીમતિના સ્વાંગમાં આમ શ્રીમદ્ આનંદઘનજી મહારાજે તેર તેર કડીના નિચોડરૂપે આ ચૌદમી કડીમાં સ્વયંને પામવાની ઉત્કટતાને જ બળવત્તર કરી છે, તે માત્ર રાજીમતિ કે આનંદઘનજી મહારાજની જ નહિ તે પરંતુ સર્વ મુમુક્ષુ આત્માઓના, સંયમીઓના બોધાર્થે સ્વયંના આત્મામાં તરૂપ થવા દ્વારા પોતાના આત્માની આત્યંતિક નિર્મળતા કેમ પ્રગટે તે જ વસ્તુને લક્ષિત કરે છે. શ્રીમદ્ આનંદઘનજી મહારાજની વાંછા સ્વરૂપે આવી કલ્યાણકારી ભાવનાનો જ પડઘો પ્રસ્તુત સ્તવનમાં પડી રહ્યો છે.
હવે સેવકનું કર્તવ્ય શું હોય ? તે વાતને રાજીમતિના માધ્યમે યોગીરાજ આ પંદરમી કડીમાં જણાવી રહ્યા છે.
ઉપવાસ એટલે સ્વરૂપભાવમાં વસવું.