________________
શ્રી નેમિનાથજી
1031
સમ્યગ્ અપેક્ષાએ કરાતું કથન એ સ્યાદ્વાદ છે આમ સ્યાદ્વાદ એ અનેકાન્તનો ઘોતક છે, બતાવનાર છે અને અનેકાન્ત એ ઘોત્ય છે, બતાવવા યોગ્ય છે. આમ બંને વચ્ચે ઘોત્ય-દ્યોતક સંબંધ છે.
સ્યાત્પદ એ અનેકાન્તવાદમાં રહેલા સમસ્ત વિરોધરૂપી વિષના ભ્રમને નષ્ટ કરવા માટે રામબાણ મંત્ર સમાન છે. એક જ પદાર્થમાં વસ્તુમાં વસ્તુપણાને નિપજાવનારી પરસ્પર બે વિરોધી શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે જેમકે જે સત્ છે તે જ અસત્ છે, જે અસ્તિ છે તે જ નાસ્તિ પણ છે, જે એક છે તે અનેક છે, જે નિત્ય છે તે જ અનિત્ય છે; આવો વસ્તુ સ્વભાવ જે સમજે તે જ સ્વથી પરનું ભેદજ્ઞાન કરી સ્વસન્મુખ થઈ નિશ્ચિત પણે અંતરંગ સુખનો સાચો ઉપાય કરી શકે.
પ્રસ્તુત આ કડી ‘એક ગુહ્ય ઘટતું નથી રે, સઘળો યે જાણે લોગ’’ તેના ઉપર વિચારતાં એ જ વસ્તુ જણાય છે કે ગુહ્ય કે ગુહ્યતમ કોઇ પણ હોય તો તે અનેકાન્ત છે અને તે જ બ્રહ્મચારીપણું છે. વસ્તુસ્વભાવમાં રહેલ અર્થગાંભીર્યથી જોતાં સઘળું એક જ ભાસે છે, એક જ અર્થમાં જણાય છે. ‘ગુહ્ય’ શબ્દને સમીક્ષણના ક્ષેત્રે અવલોકવામાં આવે તો ગુહ્ય શબ્દને અનેકાન્તના વિવિધ અર્થમાં વિભાજીત કરી શકાય. સમ્યગ્ અનેકાન્ત, (પ્રમાણ) મિથ્યા અનેકાન્ત (પ્રમાણાભાસ), સમ્યગ્ એકાંત (નય), મિથ્યા એકાંત (નયાભાસ) વગેરેના અર્થમાં ગુહ્ય શબ્દને મૂલવવામાં આવે તો, જીવાત્માઓની સ્થિતિ, તેમની એકાંત માન્યતા ક્યાંક અટકી ને પડી છે, તેનો બોધ સ્પષ્ટપણે થાય છે.
પુરુષ અને પ્રકૃતિના મિશ્રણથી ઊભા થયેલા સંસારમાં પુરુષ એ ચૈતન્ય તત્ત્વ છે. તે લોકથી પર છે અને નયોથી પણ પર છે. નયો લોક વ્યવહારમાં વ્યાપીને રહેલા છે; આત્મામાં નહિ. આત્મા નયાતીત છે.
શાસ્ત્ર ભણીને, તેના દ્વારા મળેલાં જ્ઞાનવિકલ્પનો ઉપયોગ કરી, મોહનો નાશ કરવો તે ધર્મ છે.