________________
શ્રી નેમિનાથજી
963
રહસ્ય જાણવા સૌ પ્રથમ દ્રવ્યાનુયોગમાં છએ દ્રવ્યનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, જેના દ્વારા આત્મસ્વરૂપનો યથાર્થ નિર્ણય થાય છે. ચરણકરણાનુયોગમાં રાગ ઘટાડવા અને પરિણામ સુધારવા નિમિત્તની પ્રધાનતાથી કથન છે. ગણિતાનુયોગમાં ઉપયોગની એકાગ્રતા માટેની વિચારણા હોય છે અને ધર્મકથાનુયોગમાં ધર્મકથા દ્વારા બોધ પમાડાય છે, જે બાળજીવો માટે ઉપકારક હોય છે. બધા પડખાથી મેળ કરીને તત્ત્વ નિર્ણય કરવો જોઇએ.
જમણવારમાં ભલામણ કરી હોય કે દાળ મોળી હોયતો મરચામીઠાની થાળી ફેરવજો એટલે બધા જરૂર પુરતું મરચું-મીઠુ લઇ લેશે પણ બીજા કોઇની થાળીમાં કોઇ પીરસાણુ જ ન હોય ત્યાં સૌથી પહેલા મરચા-મીઠાની થાળી લઈને જાય તો જમનારા માલ વિના મરચું-મીઠુ શેમાં નાંખશે ? ત્યાં તો લોકો રાડો નાંખેકે ભાઈ ! પહેલા મોહનથાળ લાવો ! દાળ, શાક લાવો.
એમ આત્મા તો માલ છે. આત્મા તો સર્વદ્રવ્યમાં સર્વોપરિ છે. તેના નિર્ણય વિના-તેના દેઢ શ્રદ્ધાન વિના મીઠા-મરચા સ્થાનીય વ્રતતપ-જપ રૂપ થાળો ફેરવ્યા કરે તો તેનાથી કાંઇ વીતરાગ-સર્વજ્ઞ પ્રણીત ધર્મ ન થઈ જાય. આત્મ તત્ત્વના યથાર્થ નિર્ણય અને સમ્યગ્ શ્રદ્ધાન વિના વ્રત-તપ-જપ કરવા મંડી જાય એ માલ વિનાના એકલા મરચા મીઠા જેવું છે. તેથી જ ચાર અનુયોગમાં દ્રવ્યાનુયોગ પ્રથમ ક્રમાંકે છે. દ્રવ્ય છે તો એના શુદ્ધિકરણનો પ્રશ્ન છે; તે કારણે દ્વિતીય ક્રમાંકમાં ચરણકરણાનુયોગને સ્થાન આપ્યું. દ્રવ્ય અને દ્રવ્યના શુદ્ધિકરણના દાખલા-ઉદાહરણ આપવા કથાનુયોગને ત્રીજા ક્રમાંકે મૂક્યો અને અંતે બધાયનું ગણિત છે તેથી ગણિતાનુયોગને ચોથા નંબરે મૂક્યો છે.
આત્માના સ્વરૂપનું જ્ઞાન કરાવે અને આત્માના સ્વરૂપના બળનું ભાન કરાવે; તે અધ્યાત્મ છે. આત્માના બળથી આત્માનું સ્વરૂપ પ્રાપ્ત થાય.