________________
શ્રી ઋષભદેવજી
28
અક્રિય અવસ્થાને પ્રાપ્ત કરવાની છે. એ માટે જ સાધના અકર્તાઅભોક્તા થવાની બતાડી છે.
આત્માના શુદ્ધસ્વભાવમાં કરવાપણું છે જ નહિ. કરવાપણામાં તો મજૂરી છે. હોવાપણામાં શેઠાઈ છે. વળી કરવાપણા, બનવાપણા, થવાપણામાં ક્રિયા છે, જે સાધના તરીકે થાય તો હોવાપણામાં અવાય. હોવાપણું સાધનાતીત એવી સિદ્ધાવસ્થા છે. આત્મા એના મૌલિક સ્વરૂપમાં અક્રિય છે તેથી તે આત્મામાં-સ્વરૂપમાં રમનાર ને જાણનાર છે પણ કરનાર નથી.
તીર્થના સ્થાપક, તીર્થંકર, અરિહંત ભગવંતો, તીર્થંકર-નામકર્મના ઉદયે સર્વોચ્ચ ઐશ્વર્યના સ્વામી હોવાથી અને તે પરમપદપ્રાપ્તિના માર્ગના પ્રરૂપક હોવાથી તેઓ ઈશ્વર જરૂર છે કેમકે સર્વદર્શી, સર્વજ્ઞાતા, સર્વાનંદી, સર્વશક્તિમાન છે પરંતુ તે જગતકર્તા ઈશ્વર નથી પણ જગતૠષ્ટા ઈશ્વર છે. એ જગતના બનાવનારા નથી પણ જગત જેવું છે તેવું તેનું યથાર્થ સ્વરૂપ બતાવનારા છે. એ જગતદૃષ્ટા છે તેથી જીવને પોતાના સ્વરૂપની અને જગતને જગતના સ્વરૂપની યથાર્થ સમજ આપનારા છે. આપણા સ્વરૂપનું એટલે કે આપણાપણાનું ભાન કરાવનાર છે. આપણા ઉપાદાન-કારણને તૈયાર કરી આપનાર સર્વોત્તમ નિમિત્ત છે.
પ્રત્યેક આત્મા સ્વયંભૂ છે અને તેથી સ્વતઃસિદ્ધ અર્થાત્ સ્વયંસિદ્ધ છે. કોઈકના વડે કોઈકના થવાપણામાં તો પરાધીનતા છે. વળી કોઈનું કોઈક કરી દેતું હોય છે ત્યાં કરી દેનારામાં માલિકીપણાની અહંની ભાવના હોય છે. તેમજ જેનું કરી દેવાતું હોય છે, એનામાં ઓશિયાળાપણાની ભાવના રહે છે.
ચિત્તની નિર્મળતા અને સ્વરૂપની તીવ્રતા આત્માનુભૂતિના દ્વાર ખોલી આપે.