________________
શ્રી ઋષભદેવજી
શાશ્વતકાલીન સચ્ચિદાનંદસ્વરૂપ અવસ્થા છે. એ જ સાચો ધાતુમિલાપ, સાચું આત્મરંજન, આત્માનંદ છે. સાંઈ રીઝે તો અંતરની શ્રદ્ધા અને ભક્તિથી રીઝે એમ છે. અંતર-હદય મળવાથી મળવાપણું છે. એ અંતમિલન જ અંતર-દૂરી (Distance) દૂર કરી અભેદતામાં પરિણમે છે.
એ જ પ્રમાણે કોઈ માત્ર કોરા કાયતપથી જ પતિરંજન કરી પતિમિલન એટલે કે પ્રભુમિલન ઈચ્છે તો તે પણ પ્રભુને પામવાની રીત નથી. માટે એવું અજ્ઞાનમૂલક કાયકષ્ટ મારા મનને માન્ય નથી. આ બાબતમાં તામલી તાપસનું અને પ્રભુમિલનને ચાહતા અષ્ટાપદ ઉપર તપ તપતા, ૧૫૦૦ તાપસનું કથાનક, ઘણો સારો પ્રકાશ પાડે છે.
સ્વાનુભૂતિ સંપન્નશ્રી ખીમજીબાપા આ કડીનું અર્થઘટન કરતા જણાવે છે કે એ તો લોકપ્રવાહ છે. મારું કાર્ય પરને સુધારવાનું નથી. પ્રથમ તો મારે પોતે મારી પોતાની મેલાશ ધોવાની છે. હું શુદ્ધ થાઉં પછી અન્યની શુદ્ધિની વાત થાય. એ પણ અન્યમાં શુદ્ધ થવાની લાયકાત હશે તો જ મારા નિમિત્તને પામી શુદ્ધ થશે. ધાતુની શુદ્ધિ ધાતુના મિલાપથી જ છે, ઉપાદાનની શુદ્ધિથી જ છે. તાંબા-પિત્તળના ભંગાર વાસણોને અન્ય ધાતુ કલાઈ સાથે તપાવી ઓગાળી, તે બંનેનો એક પ્રવાહી રસ બનાવી, ટંકણખારના ક્ષાર તત્ત્વથી બનાવેલ પ્રવાહી રેણથી સાંધી તે ધાતુના પાત્રને પૂર્વવત્ સ્વરૂપમાં લાવી શકાય છે. બધાને આ સાંધો સાંધવાની ક્રિયા રેણ દેવાનું જ્ઞાન હોતું નથી. એ તો એના જાણકાર કંસારાઓ જ કરી શકતા હોય છે. ગામડાઓમાં બાર-મહિને એકાદવાર કંસારો નજરે પડે. એમ પરમાત્મા સાથેના તૂટી ગયેલા તંતુઓને ફરીથી સાંધવાનું કામ તો કોઈ એવા આત્મજ્ઞાની, આત્મધ્યાની, અનુભવસિદ્ધ, ગુરૂ મળે અને આત્મામાં સ્વયં પણ તેવી યોગ્યતા પ્રગટે ત્યારે શક્ય બને.
નિમિત્તનો સ્વીકાર કરવાનો હોય પણ નિમિત્તમાં ભળવાનું ન હોય.