________________
373
હૃદય નયન નિહાળે જગધણી
5
ખંધકમુનિની ચામડી ઉતારાઈ, સ્કંધકાચાર્યના પાંચસો શિષ્યો ઘાણીમાં પીલાયા, અર્ણિકાપુત્ર ભાલે વીંધાયા, મેતાર્યમુનિના માથે ચામડાની લીલી વાઘર બંધાણી, ગજસુકુમાલના માથાની ઉપર સગડી બનાવવામાં આવી, નાગકેતુ સર્પદંશથી દંશાયા, દઢપ્રહારી પથ્થરોથી ટીચાયા અને લાકડીઓથી પીટાયા, ત્યારે પણ આ મહાત્માઓ જ્ઞાનોપયોગથી દઢમના થઈ દેહના દૃષ્ટા બની આત્મનિમગ્ન રહ્યા તો આત્મનિસ્તાર 'સાધી, તરી ગયા. આ જ એ મહાત્માઓની તીક્ષ્ણતા હતી અને કર્મનિર્જરા થવાની રીઝ-રાજીપો-પ્રસન્નતા હતી. આત્માને સ્વ માન્યો હતો અને દેહને પર લેખ્યો હતો.. પર એવા દેહના દુઃખથી એમને રાજીપો હતો કે પરથી ભિન્ન એવા આત્માનો છૂટકારો થઇ રહ્યો હતો. જગત આખાને નિર્દોષ જોઈને પોતાના જ દોષોના ઇંડરૂપે ઉપસર્ગ સમયે આત્મામાં સ્થિર રહેનારા, મહાત્માઓ દોષમુક્ત થઈ, ગુણયુક્ત બની. પરમાત્મા થઈ પરમપદે બિરાજમાન થતાં હોય છે. આત્મા સ્વયંભૂ છે તેથી તે પોતાના આત્મબળે સ્વયંસિદ્ધ થાય છે.
“ઉદાસીનતા ઉભય વિલક્ષણ...'' · કરુણારૂપી કોમળતા અને તીક્ષ્ણતારૂપી કઠોરતા એ ઉભયથી વિરુદ્ધ લક્ષણ ધરાવનાર વિલક્ષણ એવી ઉદાસીનતા-નિર્લેપતાના ગુણથી પણ શીતલનાથ પ્રભુ સોહે છે. વસ્તુ, વ્યક્તિ, સંયોગ અને પ્રસંગોની વચ્ચે પણ પ્રભુ પોતે, પોતાના આત્મભાવસ્વરૂપમાં જ રમમાણ રહી અનેકોમાં એક એવા એકાકી બનીને આત્મસ્થ રહે છે અને પાછા એક એવા પોતે પોતાના કેવળજ્ઞાનમાં અનંત જ્ઞેયોને એમના અનંતભાવ સહિત સમાવનાર અને વીતરાગતાપૂર્વકની પ્રેમ-ભાવનાથી સર્વ વ્યાપક બની રહે છે, તે ભગવંતની ઉદાસીનતા-નિર્લેપતા-વીતરાગતા છે. નીરિહીતા–નિરીચ્છતા-નિર્મોહતા અને નિર્વિકલ્પતા એ પણ ઉદાસીનતા છે.
દૃશ્ય પદાર્થની સાથે ઉપયોગનું બંધાવાપણું, ચોંટવાપણું તે જ વિકલ્પ.