________________
શ્રી સુવિધિનાથજી
મંત્રોચ્ચાર સહિત નીચેનો નૈવેદ્યપૂજાનો દુહો બોલવા પૂર્વક કરવાની
હોય છે.
“અણાહારી પદ મેં કર્યા, વિગ્ગહ ગઈય અનંત; દૂર કરી તે દીજીએ, અણાહારી શિવ સંત.’’
338
હે પ્રભો ! આપે સંસારનો અંત આણી સંત થઈ, સાદિ-અનંત સ્થિતિને પામી, અશરીરી થઇ શિવ થયા છો ! અશરીરી છો તેથી આપ અણાહારી છો ! જ્યારે અમે તો આહાર લઇ લઈને શરીર બનાવ્યા છે અને ધારણ કર્યાં છે. ધારણ કરેલાં શરીરને પાછા આહાર લઈ લઈને વધાર્યાં છે ને ટકાવ્યા છે. પુદ્ગલને પુદ્ગલનો આહાર જોઈતો હોવાથી આહાર એ પુદ્ગલના બનેલા દેહનો દેહધર્મ છે. છતાં અમે પણ અનંતીવાર અણાહારી બન્યા છીએ. પરંતુ તે એક દેહ છોડી બીજો દેહ ધારણ કરવા પૂર્વે, એક ગતિમાંથી બીજીગતિમાં જતાં, જ્યાં જ્યાં વળાંક આવે ત્યાં વિગ્રહ ગતિ દરમ્યાન એક સમય, બે .સમય કે ત્રણ સમય પૂરતા જ અણાહારી થયાં છીએ. શરીર ધારણ કરવા માટે અણાહારી થયાં પણ અશરીરી બનવા માટે અણાહારી ન થયાં. હે પ્રભુજી ! અમારું આવું વિગ્રહગતિનું અણહારીપણું આપની આ નૈવેદ્યપૂજાના ફળરૂપે દૂર કરી ઘો ! આ નૈવેદ્યપૂજાના ફળરૂપે અમારી આહારસંજ્ઞા દૂર થાઓ અને અશરીરી અવસ્થાની પ્રાપ્તિ થાઓ કે જેથી આપના જેવા અમો પણ સાદિ-અનંત શાશ્ર્વતકાળ અણાહારી બની જઈએ ! સીધી ગતિ પ્રાપ્ત કરી સમશ્રેણિએ સિદ્ધશિલા ઉપર બિરાજમાન થઈ સિદ્ધ થઇએ !
પ્રભુજી તો અણાહારી છે. એ કાંઈ નૈવેદ્ય સ્વીકારતા નથી. આપણા રસત્યાગના પ્રતીકરૂપે અને આહારસંજ્ઞાથી છૂટવાના સંકલ્પરૂપે પ્રભુ આગળ નૈવેદ્ય ધરાવવારૂપ નૈવેદ્ય પૂજા કરવાની હોય છે. હા!
પરિણમન સમજણ અને શ્રદ્ધાને આઘારે છે.