________________
શ્રી સુપાર્શ્વનાથજી
અર્થસભર લલનાના વહાલભર્યા સંબોધનથી સ્વમતિ સુમતિને અને જનસમુદાયને યોગીરાજજી જણાવે છે કે, ઈશ્વર-ભગવાન તો તે છે કે જેના પાસમાં-પડખામાં-સહવાસમાં ‘સુ’ કહેતા સારાપણાની, સુખશાતાની - સુરક્ષાની અનુભૂતિ થાય કે જેવી પત્નીને પતિના પાસમાં યોગક્ષેમની પ્રતીતિ થાય છે. આવા સુપાર્શ્વજિન કે જે વળતરમાં કાંઈ માંગતા નથી અને પોતાનું બધું જ આપી દેનારા છે, પોતાના જેવા જ પરમાત્મા બનાવી દેનારા છે, ઈન્દ્રિયો ઉપર વિજય મેળવી જિન થયા છે; તે જિનોમાં પણ ઈશ્વર એવા જિનેશ્વર, દેવોના પણ દેવ એવા દેવાધિદેવ, રાજાધિરાજરાજરાજેશ્વર વીતરાગદેવને પ્રણમીએ - વંદીએ !!!
234
એ જ વંદન કરવાને યોગ્ય વંદનીય છે. પૂજ્ય, ઉપાસ્ય, આરાધ્ય છે. શા માટે એ જ વંદનીય છે? સમાધાનમાં યોગી કવિશ્રી કહે છે કે, આપણે સહુ સુખના અને સંપત્તિના ઈચ્છુક છીએ. જ્યાં ને ત્યાં, જ્યારે ને ત્યારે, ઊંઘમાં અને સપનામાં પણ સુખ અને સુખને આપનાર સાધન સામગ્રીરૂપ સંપત્તિને જ વાંછીએ છીએ. પાછું એ સુખ નિર્ભેળ - શુદ્ધ, સંપૂર્ણ, આવ્યાં પછી ચાલ્યું ન જાય એવું શાશ્વત, પોતાની માલિકીનું સ્વાધીન અને સર્વશ્રેષ્ઠ સુખ ચાહીયે છીએ. એ સુખને મેળવી આપે એવા સાધન-સંપત્તિને માંગીએ છીએ. આ જ આપણા સહુનો ઈશ્વરને ભજવાનો એક માત્ર હેતુ છે. આપણા આ હેતુની સિદ્ધિ કરી આપનાર જો કોઈ હોય તો તે સુપાર્શ્વજિન છે, માટે લાલાયિત થઈને લોલિત એવી લલના બનીને એની અર્ચના, ઉપાસના, ભજના કરીએ તો, જે આત્મિક વૈભવ, એની પાસે છે, તે એના સહવાસથી આપણને પણ મળે. જો એ આત્મસંપત્તિ મળે તો, તે આત્મસંપત્તિથી મળતું આત્મસુખ-સ્વનું સ્વમાંથી મળતું સ્વસુખ, જેવું ઈચ્છીએ છીએ તેવું સદાને માટે સાદિ-અનંત ભાગે મળે એમ છે.
જ્ઞાનીને સારા કે ખરાબ બધા જ નિમિત્તો ઉપકારી લાગે છે કારણકે એના દ્વારા અંદરનો માલ ખાલી થતાં હળવો થાય છે.