________________
નેવેલું નજરાણું
આશય આનંદઘન તણો, અતિ ગંભીર ઉદાર, બાલક બાંહ પસારી, કહે ઉદધિ વિસ્તાર.
જૈન જગતમાં ચોવીશી સાહિત્ય ખૂબ જ પ્રચલિત છે અને પ્રસિદ્ધ પણ છે. તે ભક્તિમાર્ગનું અમીઝરણું છે. પ્રભુભક્તિ માટે કેટલાય મહાત્માઓએ ઉત્તમ પ્રકારની ચોવીશીઓ રચી છે, તે પૈકી કેટલીક ભક્તિભાવવાળી તો કેટલીક જ્ઞાનપ્રધાનભાવથી ભરેલી છે, તો કેટલીક ચોવીશીઓ તો જ્ઞાન અને ભક્તિ બંને ભાવથી ભરેલી છે. આનંદઘન સ્તવન ચોવીશી પણ બંને ભાવથી સભર છે. તેમાં નિશ્ચય અને વ્યવહાર એમ બંને નયની પ્રધાનતા છે. તેથી તે તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે અધ્યાત્મ અને દ્રવ્યાનુયોગનું એક લોકભોગ્ય ભક્તિરસઝરણું બની ગયેલ છે.
સઘળી ચોવીશીઓમાં, આ ચોવીશી જૈનજગતને એક અણમોલ નજરાણું છે. આવીજ રીતે શ્રીદેવચંદ્રજી ચોવીશી પણ એક શિરમોર ચોવીશી છે, જે દ્રવ્યાનુયોગથી ભરેલી છે. સ્તવન ચોવીશી, એ ભાવભક્તિનો કાવ્યમય પ્રકાર છે, પદ્ય છે, ગેય છે અને તેથી તે આલ્હાદક છે, મનોહર છે, અદ્ભૂત છે.
•
આવી ગહન અને ગંભીર આનંદઘન ચોવીશી ઉપર રહસ્યમય ચિંતનકરી વિવેચન કરવું તે ઘણું કઠિન અને કપરૂ કામ છે. તેની અંદર રહેલી અનેક ગંભીરતાઓને પ્રગટ કરી બતાવવી તે કાર્ય મહાસાગરના મરજીવાની જેમ, તેના અતલ ઊંડાણમાંથી મહામૂલા મોતી શોધી લાવવા જેવું છે.
આવા કપરા દીસતા કાર્યનું બીડું ઝડપીને સાહસ કરવાનું કામ પંન્યાસ પ્રવર શ્રીમુક્તિદર્શન વિજયજી મહારાજ સાહેબે, જે રીતે કર્યું છે તે ખરેખર દાદ માગી લે તેવું છે.
ભૌતિકવાદની બોલબોલાથી દૂષિત થયેલાં હુંડા અવસર્પિણીના આ પંચમકાળમાં અધ્યાત્મના અજવાળાં કરવા, તે સહરાના રણમાં ખેતી કરવા જેવું છે અને લોઢાના ચણા ચાવવા જેવું ભારે કામ છે.
અધ્યાત્મના વિષયમાં માહેર એવા પૂજ્યશ્રીએ, જે જોમ અને જોશથી, ખંત અને ઉલ્લાસથી, ઊંડાણ અને અંતરથી આલ્હાદક રીતે આ કાર્યને પાર પાડીને,