________________
123
હૃદય નયન નિહાળે જગધણી
卐
નજર સન્મુખ રહેલ પદાર્થનું આંખોમાં પ્રતિબિંબ ઉપસવું અને તે દેખાવું એ દર્શન છે. નજર સન્મુખ રહેલી ચીજ વસ્તુના દીદાર થવા એ દર્શન છે. આવા દર્શન થવાં એ ‘સૃષ્ટિ એવી સૃષ્ટિ' છે. આંખ સામે ગાય દેખાતા, સૃષ્ટિમાં સહુ કોઇ ગાયને ગાય રૂપે જ જુએ છે. .
પરંતુ દર્શનમાં રહેલા મોહના-સ્વાર્થના કારણે દેશ્ય પ્રતિ જેવી દૃષ્ટિ એટલે કે જીવનો જેવો ઉપયોગ હોય છે તેવું દર્શન માનસપટહૃદયપટપર ઉપસે છે. આ દર્શન એ ‘ૠષ્ટિ એવી સૃષ્ટિ’ના પ્રકારનું છે. જેવો જોનારો તેવું એનું જગત. જેવા જેવા જોનારા છે અને જોનારાનું જેવું જ્ઞાન-અજ્ઞાન, મોહ છે તેવું ચિત્ર તેનામાં, તે દશ્ય સંબંધી અંકિત થાય છે. એ દશ્યના-ચિત્રના દર્શનમાં જોનારાની થાપ-છાપ પડે છે. ગૌભક્ત, ખેડૂત, ભરવાડ, કસાઈ, ચિત્રકાર એ પ્રત્યેક જણ એક જ એવા ગાયના દૃશ્યને ગાય તરીકે જોવા છતાં પ્રત્યેકનું ચિત્રાંકન-મુલ્યાંકન જુદું જુદું હશે. એટલે જ દશ્ય એક હોવા છતાં, જગતને માટે તે એકસ્વરૂપ હોવા છતાં જેટલાં જોનારા છે તેટલાનું પોતપોતાનું આગવું દર્શન હોય છે. આમ જેટલાં જોનારા એટલાં દશ્ય-એટલાં જગત હોય છે.
તેથી જ કહ્યું છે કે “જોનારાને જો !’’ ‘“જાણનારાને જાણ !'’
જો ‘દૃષ્ટિ એવી સૃષ્ટિ’ છે તો તેની સામે ‘સૃષ્ટિ એવી દષ્ટિ’ પણ છે. જેમ દૃષ્ટિ અર્થાત્ ઉપયોગને અનુસરીને સૃષ્ટિનું દર્શન છે, તેમ દૃશ્યસૃષ્ટિને અનુસરીને દૃષ્ટિ અર્થાત્ ઉપયોગનું ઘડતર પણ થાય છે. આ ‘સૃષ્ટિ એવી દૃષ્ટિ’ ના સિદ્ધાંતના આધારે જ દેવદર્શનનું મહત્વ છે અને જાહેરાત-વિજ્ઞાપનનો ધંધો છે. પરંતુ દૃષ્ટાના દર્શન પ્રમાણે મૂર્તિ જવાબ આપે છે તેથી મૂર્તિપૂજામાં દષ્ટિ-સૃષ્ટિવાદ પણ ભાગ ભજવે છે. ક્રિયામાં સૃષ્ટિદૃષ્ટિવાદ છે પણ પરિણામ દૃષ્ટિ-સૃષ્ટિવાદના સિદ્ધાંતને અનુસરીને છે.
ગુણમાં સુખ દેખાઈ જાય અને તેથી ગુણ એજ જીવન બની જાય ત્યારે વ્યવહાર ધર્મ આવ્યો કહેવાય.