________________
શ્રી સંભવનાથજી
જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે; ભૂંગી ઈલિકાને ચટકાવે, તે ભૃગી જગ જોવે રે.
આનંદઘનજી
120
-
પૂજ્યની પૂજા પૂજ્ય બનવા માટે જ છે. પુણ્યની વૃદ્ધિ માટે નથી. પૂજ્યની પૂજાથી પૂર્ણ ન બનીએ ત્યાં સુધી જરૂરી અનુકૂળતાઓ મેળવી આપનાર, સાધનભૂત પુણ્યનો બંધ પડે છે. તેથી તેના ઉદયકાળમાં વળી પૂજ્યનો, પૂજનનો, જનસામગ્રીનો અને પૂજનના ભાવનો સંયોગ સાંપડી રહે છે. પુણ્યના ઉદયકાળમાં પુણ્યનો ભોગવટો કરીએ તો ડૂબીએ, પણ જો પૂજ્યની પૂજામાં યોજીએ તો ભોગી મટી યોગી બનીએ અને ભવસાગર પાર ઉતરીએ. આત્મધર્મ-આત્મસ્વભાવમાં આવીએ.
દરેક સ્તવનની છેલ્લી કડીમાં યોગીરાજ અત્યંત લઘુત્તમ બની પ્રભુને પ્રાર્થે છે અને તે દ્વારા તેમનામાં રહેલ પ્રતિપત્તિ-પૂજાના ભાવને છલકાવે છે. આ તેમનામાં રહેલ ઉપાસનાયોગની ગરિમા છે અને તે પરમાત્મસ્વરૂપને પામવાનો તલસાટ પણ બતાવે છે. આ જ સાચું અધ્યાત્મ છે. પ્રભુ આગળ દીન અને યાચક બનતા આવડે તે જ અધ્યાત્મ પામી શકે.
અધ્યાત્મમાર્ગ દૃષ્ટિ પરિવર્તનના પાયા ઉપર સ્થિત છે.
સાધનાના શિખરે ઉપાસનાનો સુવર્ણ કળશ ચઢે ત્યારે જ આત્મમંદિર ઉપર પરમાત્મસ્વરૂપના પરમાનંદની ધજા લહેરાય અને ફરફરે !