________________
૫૯૦.
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
–
1130
જિનેશ્વરદેવની આજ્ઞા. એ ખીલે જે બંધાય, એ આજ્ઞા જેને સમજાય, એને પછી દુનિયાના પદાર્થોમાં આત્માનું શ્રેય ન જ લાગે. એની પાસે લાખો રૂપિયા આવે કે જાય એમાં એને મઝા કે મૂંઝવણ ન થાય.
આજે તો સવારે નવકારશી કરી કે ભગવાનનાં દર્શન કર્યા એટલે ધર્મ થઈ ગયો અથવા તો “ભગવાનનું મોટું જોઈએ તો દહાડો સારો જાય એવી ભાવનાથી ભગવાનનું મોં જોયું એટલે ધર્મ થઈ ગયો, આવી જ કલ્પનામાં મોટો ભાગ રાચે છે. શ્રી વીતરાગ પરમાત્માનાં દર્શન વિના ન જ રહેવય એવી ભાવના કેમ પેદા થતી નથી ? કારણ કે ભાવના ફરી ગઈ છે.
ધર્મનાં કલ્પિત વર્ણન કરનારાને ધર્મનાં આ વર્ણન ખટકે છે. એટલે એ પ્રશ્ન કરે છે કે – “ધર્મ કરવામાં ત્યાગનું કામ શું ? ઘરબાર મૂકવા જેવાં એમ માનવાની જરૂર શી ? સંસાર ખોટો, એમ કહેવાની જરૂર શી ? બસ, મંદિર ઉપાશ્રયે જઈ આવ્યા એટલે ધર્મ થઈ ગયો !” શાસ્ત્ર કહે છે કે મંદિર ઉપાશ્રય અને ત્યાંની ક્યિા, એ તો બધાં ધર્મનાં સાધન છે. ધર્મ તો દૂર છે. જ્યાં સુધી આત્માને સંસારનો ભય ન લાગે અને મુક્તિ મેળવવાની ઇચ્છા ન જન્મે ત્યાં સુધી એ ક્રિયાઓ અનંતવાર કરવા છતાં પણ ધર્મ પ્રગટતો નથી અને આત્માને સાચો લાભ થતો નથી.”
રત્નજડિત સુવર્ણમેખલાનું વર્ણન ચાલે છે. દુનિયામાં રસ્તે ચાલતાં સોનું કાંઈ પગમાં નથી અથડાતું-ડગલે ડગલે સોનાની ખાણ નથી હોતી. રત્નો જ્યાં ત્યાં નથી મળતાં ત્યાં રત્નજડિત સુવર્ણમેખલા ક્યારે બને ? કોઈ સોનાની ખાણ હાથ લાગે, માટીમાં મળેલું એ સોનું કારીગર જુદું પાડે, એને તદ્દન શુદ્ધ સો ટચનું બનાવે, પછી એનો ઘાટ ઘડી એમાં રત્નો જડે, ત્યારે એ દીપે. એ જ રીતે આ ધર્મને રત્નજડિત સુવર્ણમય મેખલા જેવો બનાવવો એ નાનુંસુનું કામ નથી. એ ધર્મ કયો ? તે જ કે જે દુર્ગતિમાં પડતાં આત્માને બચાવે. એટલે કે મોહ, મમતા અને વિષય કષાયથી આત્માને પાછો હઠાવે અને પરિણામે સદ્ગતિની પરંપરા સરજી મોશે પહોંચાડે. ધર્મ રોજ કરે અને મોહ મમતા વધે તો ? વસ્તુ પરિણમી ક્યારે કહેવાય ? કે જ્યારે એનાથી પલટો દેખાય. સંઘમાં કોણ ગણાય ?
જો જીવન છે તેવું જ ચાલુ રહે અને સંઘમાં ગણાવાતું હોત, તો ભગવાને સંઘમાં અમુક જ સંખ્યા કેમ લીધી ? મનુષ્ય માત્રને સંઘમાં કેમ ન ગણ્યા ? સમવસરણમાં તો બધા આવ્યા હતા ને ? એમાંથી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચાર પ્રકારનો જ સંઘ કેમ ? મનુષ્ય માત્ર સંઘમાં કેમ નહિ ?