________________
૪૨૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
ततश्च दुष्करं तन्त्र, सम्यगालोच्यते यदा ।
अतोऽन्यद् दुष्करं न्यायाद्धेयवस्तु प्रसाधकम् ।।१७।।
–
996
અર્થ : “જેમ કોઈ પણ પદાર્થ ઉપાદેય લાગી જાય તો તેને મેળવવા માટે ગમે તેટલું કષ્ટ વેઠવું પડે તો પણ તે પદાર્થ પ્રત્યેના રાગના કારણે મન દુ:ખી બનતું નથી, તેમ મુક્તિ પ્રત્યે અનુરાગ પ્રગટી જાય અને એના સાચા ઉપાયો બરાબર સમજાઈ જાય તો તે ઉપાયરૂપ અનુષ્ઠાનો કદી દુષ્કર લાગતાં નથી. આ સિવાયની બીજી બધી જ પ્રવૃત્તિ કે જે મુક્તિ આપવા અસમર્થ હોય અને હેય એવા અર્થ કામ વગેરે આપવા સમર્થ હોય તેવી દરેક પ્રવૃત્તિ એને કષ્ટકર લાગે છે. એ પ્રવૃત્તિમાં એનું મન દુઃખનો અનુભવ કરે છે.”
આ ઉપરથી સમ્યગ્દષ્ટિ આત્માને દુઃખ શામાં અને સુખ શામાં, એ બરાબર સમજી શકાય તેમ છે. સમ્યગ્દષ્ટિ આત્માને મોક્ષસાધક ધર્મપ્રવૃત્તિથી કદી દુઃખનો અનુભવ ન થાય. ધર્મપ્રવૃત્તિમાં દેખાતું દુઃખ પણ એને સુખનો અનુભવ કરાવે, કારણ કે એ જેમ જેમ ધર્મપ્રવૃત્તિ કરતો જાય તેમ તેમ એનો મોક્ષ નજીક આવતો દેખાય છે. એ આત્માને દુઃખ સંસારની પ્રવૃત્તિ કરતાં થાય છે કારણ કે એનાથી એને મોક્ષ દૂર થતો દેખાય છે. જે ક્રિયાથી મોક્ષ દૂર થતો દેખાય, એ ક્રિયાથી સમકિતીને થાકનો અને દુઃખનો અનુભવ થાય એ સહજ છે.
આથી સમજી લો કે ખાલી વાતો કરવાથી કામ નહિ ચાલે. “હું સમ્યગ્દષ્ટિ છું” એવું કહેવડાવતાં પહેલાં વિચાર કરો કે તમાંરી આવા પ્રકારની દશા છે ? એ દશા ન હોય તો એ દશા પામવાની ભાવના પણ છે ? જો ના, તો સમજો કે કેવળ વાતો કે નામની વિદ્વત્તા અને કેવળ બાહ્ય આડંબર, આ બધું શાસનમાં ટકે તેમ નથી.
સમ્યગ્દર્શન ન થાય ત્યાં સુધી ગમે તેવા જ્ઞાનને અજ્ઞાન કહ્યું. ભલે હજારો પુસ્તકો ભણીને એ પંડિત બન્યો હોય પણ જો એનામાં સમ્યગ્દર્શન નથી તો શાસ્ત્રકારો એને અજ્ઞાની કહે છે. કારણ એ કે, એ જ્ઞાન એને સંસારમાં રાચવા માણવામાં સહાય કરે છે, ઇચ્છાનુસાર વર્તવાની એને છૂટ આપે છે અને જ્ઞાનનું ફળ જે વિરતિ છે, એ વિરતિરૂપ ફળથી આત્માને વંચિત રાખે છે. એ મિથ્યાજ્ઞાનરૂપ અજ્ઞાન પણ જ્ઞાનરૂપ બની શકે છે, પણ ક્યારે ? જ્યારે સમ્યગ્દર્શન આવે ત્યારે. કોઈ કહે કે મને સમ્યગ્દર્શન થયું, તો પૂ. આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે-એને પૂછો કે-‘સંસાર તને ગમે છે ?’ જો હા, કહે તો સમજવું કે એની વાત ખોટી છે. કેવો સુંદર ક્રમ ? કેવી સરસ મજાની ચાવી ?