________________
૨૯૯
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ સમ્યગ્દષ્ટિ, પાંચમે ગુણઠાણે આનંદ શ્રાવક જેવા સર્વવિરતિધર સાધુ, એ બધા વ્યવહારના સમકિતી છે. નિશ્ચયનું લક્ષ્ય એમનું જરૂર હોય, પરંતુ નિશ્ચયનયનું સમ્યક્ત અને ચારિત્ર જુદું છે. આ બધો વિવેક ન આવે ત્યાં સુધી જૈનશાસન નહિ સમજાય-એક વાત ધ્યાનમાં રાખો કે અહીં શાસ્ત્ર વંચાય છે, ગપ્પાં નથી મરાતાં. ન સમજાય ત્યાં પ્રશ્ન જરૂર કરો પણ ડહોળવાનો પ્રયત્ન ન કરો-આ ભાઈ, સંબંધ - વગરનું ઘણું બોલી ગયા માટે આટલો ખુલાસો કરવો પડે છે. હવે આવો આપણી મૂળ વાત ઉપર. સમકિતી ધર્મ શા માટે કરે ?
સમ્યક્ત પીઠને દઢ બનાવવા જેમ શંકાદિ પાંચ દોષનો ત્યાગ કરવો જોઈએ તેમ એને રૂઢ બનાવવા પ્રતિસમયે વિશુદ્ધ બનતી પરિણામની ધારાવાળા ઉત્તમ અધ્યવસાયોમાં આત્મા ચાલુ રમતો રહેવો જોઈએ. આવો આત્મા સંસારમાં રમે ? જેનામાં તત્ત્વરુચિ પ્રગટી, ભગવાનશ્રી મહાવીરદેવનું તત્ત્વજ્ઞાન ગમ્યું, નવ તત્ત્વો જાણ્યાં અને રૂઓ, એ એક પણ તત્ત્વમાં જેને શંકા નથી એ આત્મા કેવો હોય ? પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા એક જ વચનમાં કહે છે કે-એ આત્મા ભવોદધિમાં રમે નહિ.
જેને જ્ઞાનીનો માર્ગ રૂઓ, તે સંસારમાં રમે કઈ રીતે ? રમવામાં અને રહેવામાં ભેદ છે. રહેવું પડે તો સમ્યગ્દષ્ટિ રહે ખરો પણ રમે નહિ. આ ચોથા ગુણઠાણાની વાત છે. એ કેમ ન રમે ? કારણ કે એ સંસાર જેવો છે, તેવો જોઈ શકે છે. માટે પહેલાં એ રીતે જોઈ શકતો ન હતો માટે રમતો હતો; હવે જોઈ શકે છે માટે નથી રમતો. કમળો ગયા પછી ધોળું પણ પીળું દેખવાની દશા પલટાઈ ગઈ, એટલે હવે ધોળું એ ધોળું જ દેખાય - તત્ત્વની રુચિ થાય, તત્ત્વની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન આવે, મિથ્યાત્વરૂપ રોગ જાય ત્યારે સંસાર છે તેવો દેખાય; ત્યાં સુધી ન દેખાય.
વર્તમાનની દૃષ્ટિએ કે દેખીતી રીતે સંસાર દુ:ખમય છે, એ વાત ચક્રવર્તી કે ઇંદ્રને ન બેસે કેમકે એમને માટે દુઃખમય નથી. પરંતુ જ્ઞાની જે દૃષ્ટિથી દુ:ખમય કહે છે તે જ દૃષ્ટિ ચક્રવર્તી તથા ઇંદ્રોની છે, માટે માને છે. મિથ્યાત્વ રોગ જાય ત્યારે એ દૃષ્ટિ આવે. એ રોગ હોય ત્યાં સુધી સુખને માટે ધર્મ કરનાર પણ કોઈ જુદા સુખને માટે એ ધર્મ કરે છે. જે સુખને માટે એ ધર્મ કરે છે, તે સુખને પાછા જ્ઞાનીઓ દુ:ખ કહે છે. સમ્યગ્દષ્ટિ ધર્મ શા માટે કરે ? મોક્ષ માટે, બીજા કશા માટે નહિ ને? નહિ તો તો પચીસસો લેવા માટે પચીસનું દાન કરે એ ધર્મ છે ?