________________
32
૨૮૨
- સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨ – જ નહિ-વૈરાગ્યની વાત એ સાંભળે જ નહિ. અરે, નાના બાળકને સાધુ થવાનું કહો તો એ પણ ચોખ્ખી ના કહે. એ તો કહે કે-“મારે તો લગન કરવાં છે, પૈસા કમાવા છે, સાધુ થઈ ભીખ માગીને ખાવાનો ધંધો કરવો નથી.” આવું જ્યાં વાતાવરણ ચારે તરફ છવાયેલું હોય ત્યાં કોઈ બાળક એમ બોલે કે “મારે પરણવું નથી, સંસાર ખોટો છે, મારે તો દીક્ષા લેવી છે, મને ત્યાં જ ગમે છે. તો ભલે એ પૂર્વસંસ્કારના યોગે કે કોઈ નિમિત્તના યોગે કે કોઈની શિખામણના યોગે આવું બોલતો હોય પણ એમાં વૈરાગ્ય માનવામાં હરકત શી છે?
તીવ્ર વૈરાગ્યની વાત કોના માટે ? સંસારમાં પંડ્યા, ભોગોમાં લપેટાયા, એવા જીવ જે અહીં આવવા તૈયાર થાય તેને માટે તીવ્ર વૈરાગ્ય જરૂરી છે. પરંતુ બાલ્યાવસ્થાનો થોડો વૈરાગ્ય ભક્ત ભોગીના તીવ્ર વૈરાગ્યથી ચડી જાય છે. ભોગ ભોગવીને આવેલો સંયમ લે, એની પરિણામની ધારા સ્થિર ન પણ રહે. અને જો પૂર્વ ભોગોનું સ્મરણ થાય તો એના માટે પતનનો સંભવ વધારે છે. પણ જે બાલ્યકાળથી દીક્ષિત છે, મૂળથી જ જેને વિષયનો સંસર્ગ નથી, એના પતનનો સંભવ ઘણો ઓછો છે. તમે બાલ્યકાળથી કીડી, મંકોડી બચાવવા ટેવાયા છો-હવે સંયોગવશાત્ કોઈ હિંસક પડોશમાં રહેવાનો વખત આવે અને અમુક વખત રહેવું પડે તો પણ તમારા જીવદયાના સંસ્કાર એકદમ ન ભૂંસાય શાથી ? બાલ્યકાળના સંસ્કાર છે માટે-બાળકે બાલ્યકાળમાં ગોખેલા “મા-બાપ” એ શબ્દો જીવનભર ભુલાય છે ? બીજું ભણેલું ઘણુંયે ભુલાય પણ “મા-બાપ” એ શબ્દો ઊંઘમાંયે ન ભુલાય-કેમ ? એ સંસ્કાર રૂઢ થઈ ગયા. બાલ્યકાળના એ સંસ્કાર છે.
દરેક દર્શનકારોએ બાલબ્રહ્મચારીનું મહત્ત્વ ગાયું છે. ઉત્તમ શક્તિનું પ્રેરક બ્રહ્મચર્ય છે. દરેક દર્શનના મુખ્ય પ્રણેતા મોટા ભાગે બાલ્યાવસ્થામાં સંસારત્યાગી બનેલા. બાલ્યકાળના વૈરાગ્યમાં કારણરૂપે શાસ્ત્રજ્ઞાનની વાત ન આવે ! એ પ્રભાવ તો પૂર્વના સંસ્કારનો જ માનવો પડે. સંસાર ન ગમે અને ત્યાગ ગમે એ જ વૈરાગ્ય. પછી ભલે પૂર્વસંસ્કારથી એ સ્થિતિ હોય કે કોઈ વર્તમાનના બાહ્ય નિમિત્તથી કે શિખામણથી હોય.
આ જમાનામાં નાટક ચેટક, હૉટેલ સિનેમા વગેરે રંગરાગ છોડી અહીં આવવાનું મન કોને થાય ? જેને વિવેક જાગે તેને જ અથવા તો પૂર્વસંસ્કારથી પણ થાય. હવે એ બાળક એ વાત સમજાવે શી રીતે ? રૂપિયો અને ઢબુ બેમાંથી બાળકનો હાથ રૂપિયા તરફ જાય. રૂપિયાના બત્રીસ ઢબુ આવે એ વાતની એને ખબર છે ? ના-તો પણ એમ કેમ ?