________________
374
૩૭૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ ઓછું એક કલાક તો અવશ્ય વિચારવું જ- એવો નિયમ કરો કે જેથી સંયમની ભાવના આપોઆપ પ્રબળ બને.
રાત્રે સૂતી વખતે શું વિચારો છો ? મહાપુરુષોએ કેવી કેવી ભાવનાઓ બતાવી છે ! એ મહાપુરુષોએ બતાવેલી ભાવનાઓથી ભાવિત થઈને સૂઈ જવાય તો સારી ભાવનાઓના યોગે ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ કેમ ન થાય ? સભા પણ સાહેબ ! સવારે આટલાં આટલાં કામ બાકી છે, એમ વિચારીને જ
સુવાય છે ! પણ રાતમાં કદાચિત્ અવસાન થઈ જાય તો ગતિ કઈ થાય ? એ વિચાર્યું. છે ? એટલું પણ નહિ વિચારી શકનારા અને પ્રભુમાર્ગથી સર્વથા અપરિચિત જેવી જિંદગી ગુજારનારા તથા ધર્મ, ધર્મગુરુઓ કે ધર્મશાસ્ત્ર ઉપર શુદ્ધ શ્રદ્ધા નહિ રાખી શકનારાઓ, જેઓ પોતાને “સંઘ' મનાવી, સાધુઓ ઉપર પણ પોતાની આજ્ઞા ચલાવવાની વાતો કરે છે અને સાધુઓ પાસે આજ્ઞા મનાવવાની ઇચ્છા રાખે છે, તેઓને કહો કે, “પહેલાં તમે પોતે સુજાત બનો, એટલે આજ્ઞા મનાવવાનું આપોઆપ જ ભૂલી જશો. દીક્ષા વગેરેની સામે બોલવાના ધમપછાડા કરતાં પહેલાં જાત સુધારો અને પ્રભુશાસનને જિંદગી સમર્પો, એટલે પછી સમજાશે કે, “આમ બોલાય અને આમ ન બોલાય અને એ સમજાયા પછી બોલવાના હક્કનો સાચો સદુપયોગ થઈ શકશે, અન્યથા હૃદયમાં કંઈ, વચનમાં કંઈ અને વર્તનમાં કંઈ, એવાઓની કશી જ કિંમત નથી.
મનમાં, વચનમાં અને વર્તનમાં જુદું એવી સ્થિતિ સ્ત્રીઓની હોય છે એમ શાસ્ત્ર કહે છે, પણ આજે તો એવું કેટલાય પુરુષોમાં પણ દેખાય છે, એ શું સૂચવે છે ? આજે ભાડૂતી લેખક અને ભાડૂતી વક્તા, છાતી પર પૈસાનો પથ્થર મૂકીને જુઠું લાગે તોય બોલવું પડે એમ માનીને ખુશીથી બોલે છે. પાંચ રૂપિયાનો એક લેખ લખાવનાર કહે છે કે, “ફલાણાને પચીસ ગાળ દેવી છે. તો પાંચ રૂપિયાનો લેખક કહે કે, “એવી ગાળ દઉં કે ન પૂછો વાત !” નામ કંઈ, ઠામ કંઈ, ઘાટ કંઈ, આ રીતે બધી યોજના જ જુદી. આવા ભાડૂતી લેખકો તથા વક્તાઓની અને એમના લખવા તથા બોલવાની કિંમત કેટલી ? કશી જ નહિ. એવાઓને પ્રસંગે પ્રસંગે સમજે તો સમજાવો કે, “આર્યદેશ, જાતિ, કુળ, શ્રી મહાવીરદેવનું શાસન અને નિગ્રંથ ગુરુદેવો વગેરે મળવા છતાં દેવ, ગુરુ અને ધર્મ વિરુદ્ધ પાગલપણે બોલવાની બુદ્ધિ પેદા થવી, એ આત્માનો ભયંકર નાશ છે, અને શ્રી વીતરાગનો ભક્ત એ વૈરાગ્યનો વૈરી હોઈ જ કેમ શકે ? અને એ હોય તો તો એ ઘણું જ ભયંકર ગણાય.