________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
અહિંસા, સત્ય અને સંયમ કોઈ એવી વસ્તુ નથી કે, ‘જે સદ્ગુરુની નિશ્રા વિના કલ્પના માત્રથી જ સમજી શકાય અને આચરી શકાય.' આ સત્ય અને એકાંત હિતકર શિક્ષા, ‘અંતર અવાજ’ ઉપર જીવનારાઓને ઘણી જ વિષમ લાગે છે અને એથી જ તેઓ અનાયાસે પણ ઉન્માર્ગે ચડી જાય છે તથા અનેકને ચડાવી દે છે. અલ્પ સંસારી આત્માઓ કદી જ દુરાગ્રહી નથી હોતા અને એ જ કારણે તેઓ અતિશય અલ્પજ્ઞ હોવા છતાં પણ સહેલાઈથી સન્માર્ગ પામી જાય છે.
૨૭૨
272
તમે સાંભળ્યું છે કે, શ્રી અષ્ટાપદ પર્વત ઉપર ચડવા માટે પંદરસો તાપસો તપશ્ચર્યા કરતા હતા, તે છતાં પણ ચડી શકતા નહોતા. ઉપવાસનો તપ કરનારા પાંચસો પ્રથમ પગથિયે અટક્યા હતા, છઠનો તપ કરનારા પાંચસો બીજે પગથિયે અટક્યા હતા અને અઠ્ઠમનો તપ કરનારા પાંચસો ત્રીજે પગથિયે અટક્યા હતા. તે તાપસોએ જ્યારે દૂરથી ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને આવતા જોયા, ત્યારે તેઓને એમ થયું કે, આટલા આટલા સમય સુધી તપ ક૨વા છતાં જો આપણે નથી ચડી શકતા, તો આ કે જે શરીરે મજબૂત છે, તે કેમ ચડી શકશે ? પણ ભગવાન શ્રી ગૌતમસ્વામીજી તો લબ્ધિના બળથી ચડી ગયા; એ જોઈને એ પંદરસોય તાપસોને એમ થયું કે, ‘જરૂ૨ આ કોઈ અદ્ભુત શક્તિસંપન્ન મહાત્મા છે, માટે હવે તો એમનું જ શરણ ! આ રીતે એ મહાપુરુષના પહેલાં કેવળજ્ઞાન પામી ગયા. જો તે તાપસો ‘કોઈ ઇંદ્રજાળીઓ હશે !' એમ કહેત અને શ૨ણે ન જાત તો ૨વડી જ મરત; આથી જ આપણે કહેવું પડે છે કે, ‘આપમતિ'નો દુરાગ્રહ છોડી આ પ્રવચનરૂપ આગમનું શરણ સ્વીકારવું એ જ શ્રેયસ્કર છે.
સદ્ગુદ્ધિ નથી માટે જ ભટકો છો !
આપમતિને દૂર કરી અનંતજ્ઞાનીના શાસનને સ્વીકારનારના અંતરમાં અયોગ્ય પ્રશ્નો ઊભા થવાનો સંભવ જ નથી રહેતો. પાપપ્રવૃત્તિને પાપપ્રવૃત્તિ તરીકે સ્વીકા૨વાની સ૨ળતા પણ જેના અંતરમાં ન હોય, તે પોતામાં જૈનત્વ હોવાની વાતો કરે, એ વંધ્યાને પુત્ર હોવાની વાતો કરનારા છે. આવા માણસો વાત વાતમાં એવું ધ્વનિત કરે છે કે, ‘શું અમારામાં બુદ્ધિ નથી ?' આ પ્રશ્નના ઉત્તરમાં આપણે એ જ કહેવું પડે તેમ છે કે, ‘સુબુદ્ધિ નથી, માટે તો સાધન હોવા છતાં ભટકો છો નહિ તો તમારી આ દશા હોત જ શું કામ ?' તમારી દૃષ્ટિએ એક ઇતિહાસકાર સાચો અને કેવલ નિઃસ્પૃહપણે ઉપકાર કરનારા શાસ્ત્રકારો ખોટા ! મહિને સો રૂપિયા લઈને એક-બે આર્ટિકલ લખનારા સાચા અને ઘરબાર છોડી ત્યાગી થઈ એકાંતે ઉપકાર કરનારા ખોટા !! આવી દૃષ્ટિવાળા તમે તમારી જાતને કઈ રીતે સુબુદ્ધિવાળા માનો છો ?