________________
૨૨ : સંઘ પ્રભુશાસનનો સંરક્ષક હોય
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, પોષ સુદ-૫, રવિવાર, તા. ૫-૧-૧૯૩૦
• મેરૂપર્વત સમગ્ર લોકનું કેન્દ્રસ્થાન છે :
♦ એક શબ્દવાચી પદાર્થો હોય જ :
♦ વૈજ્ઞાનિકો તો દુરાગ્રહી નથી :
♦ શાસ્ત્ર કહેલી ભાવનાઓને ચિન્તવો :
♦ પ્રભુના માર્ગનું સંરક્ષણ કઈ રીતે થાય ?
♦ નિમકહરામ નહિ પણ નિમકહલાલ નોકર બનો !
♦ શક્તિ હોવા છતાં ધર્મની ઉપેક્ષા કરવી, એ ધર્મનું અપમાન છે :
22
મેરૂપર્વત સમગ્ર લોકનું કેન્દ્રસ્થાન છે
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજીએ, સમુદ્રની ઉપમાથી શ્રીસંઘની સ્તવના કરી, તે આપણે જોઈ ગયા. સમુદ્રમાં જેમ વેલાઓ અને મગર-મસ્ત્યાદિ જળજંતુઓ હોય છે, તેમ શ્રીસંઘરૂપ સાગરમાં પણ મૂળગુણો તથા ઉત્તરગુણો પ્રત્યે પ્રતિદિન વધતી પરિણામની ધારા રૂપી યેલાઓ છે, અને પાંચે પ્રકારના સ્વાધ્યાય રૂપ મગરો વિદ્યમાન છે. જેમ જેમ સ્વાધ્યાય વધે, તેમ તેમ આત્મસ્વરૂપનું ભાન થાય; જેમ જેમ એ ભાન થાય, તેમ તેમ મૂળગુણો તથા ઉત્તરગુણો પ્રત્યેનો પ્રેમ વધે. જેમ સાગર અક્ષુબ્ધ હોય, તેમ ગમે તેવાં ઉપસર્ગો કે પરિષહોના પ્રસંગે પણ શ્રીસંઘરૂપ સાગર અક્ષુબ્ધ હોય છે. જેમ સાગરનો મધ્ય ભાગ એકદમ અક્ષુબ્ધ સ્થિર અને શાંત હોય છે, તેમ શ્રીસંઘરૂપ સાગર પણ એકદમ અક્ષુબ્ધ, સ્થિર અને શાંત હોય છે. જેમ સાગર વિસ્તારવાળો હોય છે, તેમ શ્રીસંઘરૂપ સાગર પણ વિસ્તારવાળો હોય છે.
સાગરને રત્નાકર કહેવાય છે કારણ કે, સાગરમાં અનેક પ્રકારનાં રત્નો હોય છે, તે જ રીતે શ્રીસંઘરૂપ સાગરમાં પણ અનેક ગુણોરૂપી રત્નો હોય છે. તે ગુણરત્નોની પ્રાપ્તિ તો યોગ્ય રીતે વિધિ મુજબ શ્રીસંઘરૂપ સાગરના સેવકને જ થાય. આવા અનેક ગુણરત્નમય શ્રીસંઘરૂપ સાગરની જય કોણ ન ઇચ્છે ? એકેએક પુણ્યશાળી આત્મા આવા શ્રીસંઘરૂપ સાગરનું ત્રિવિધે ત્રિવિધ કલ્યાણ થાય એમ ઇચ્છે. સૂત્રકાર મહર્ષિએ પણ એ જ કહ્યું છે કે, આવા શ્રીસંઘરૂપ