________________
૨૨૬.
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - છે; અને ખરાબ સંયોગવાળા હોઈએ તો ખરાબ કરીને આવ્યા છીએ એ વાત માનવી જોઈએ. એ સમજાય તેમ છે. સારું કરવાથી સારા સંયોગ પામ્યા છો તો. સારા થવા માટે સારું કરવું જોઈએ. સારા થવું હોય તો સારું કર્યા વિના છૂટકો જ નથી.
બાહ્ય પદાર્થને ગમે તેટલા વળગી રહેશો, “નહીં મૂકું કહીને સચોટ વળગી રહેશો, તોયે એ ચીજો અહીં જ રહેશે અને તમારે ચાલ્યા જવું પડશે. છોડવાનું છે, જવાનું છે, એ વાત નક્કી છે, મૂકીને જવું પડે એ નક્કી છે; છતાં વળગી રહેવાનું મન થાય એનું કારણ ? વળગવાની ના નથી, ખૂબ વળગો, વળગાય તેટલું વળગો, પણ એવી ચીજને વળગો કે જે તમને કદી ધક્કો ન મારે..
જેને પકડીએ તેને એવું પકડીએ કે મરતાંયે ન છોડીએ; પણ પકડીએ કોને ? એ ખાસ નક્કી કરવું જોઈએ. વિશ્વાસઘાતક એવી પરવસ્તુની આધીનતા ગમે કેમ ? રાગ છોડવો, એનું નામ વૈરાગ્ય. વૈરાગ્ય કયા ડાહ્યાને ન આંવે ?. જૈનશાસનમાં દરેક વાત એવી છે કે જેમાં વૈરાગ્ય હોય જ. સંસારની અસારતાનું ભાન થાય એ વૈરાગ્ય. જેને શાસ્ત્રકાર અસાર કહે છે તેને જ સારરૂપ માને, ત્યાં વૈરાગ્ય થાય શી રીતે ?
એ લોકો તો કહે છે કે “જવાનું છે એ વાત સાચી, પણ એથી કાંઈ અત્યારે છોડી દેવાય ?' શાસ્ત્ર કહે છે કે, “રોઈને છોડાશે એમાં બહાદુરી નથી, માટે હસતાં હસતાં છોડો. જેને સુખે મરવું હોય, સમાધિપૂર્વક મરવું હોય, તે તો સંસારને અસાર જ માને; સંસારના રંગરાગને ખોટા જ માને; પોતે ફસાયો છે એમ જ માને. જેમ પોતા માટે સંસારથી નીકળવામાં કલ્યાણ માને, તેમ પારકા માટે પણ એમ જ માને. ધૂનનમાં (ત્યાગની વાતોમાં) પણ આ જ વાત આવવાની. સહેલું હોય એનું ધૂનન (ત્યાગ) પહેલું કરવાનું, સહેલું હોવાથી બાહ્યનું ધૂનન પહેલું કરવાનું. એ ક્યારે થાય ? બાહ્ય પદાર્થોને વધારે વળગવાથી કે તે પદાર્થોને દૂર કરવાથી ?
સભાઃ આત્મા તો સર્વશક્તિમાન છે ને ?
હા !, પણ ક્યારે ? કર્મથી અળગો થાય ત્યારે ને ? જો અત્યારે જ આત્મા સર્વશક્તિમાન હોય તો આમ ભીખ માંગતો ફરે ? હડધૂત થાય ? માર ખાધા જ કરે ? અઘોરીની જેમ ઊંધ્યા જ કરે ? બેડીમાં પડેલાને સર્વશક્તિમાન માની લેવાની મૂર્ખતા કરી યોગ્ય પ્રવૃત્તિ કરવાના અખાડા કેમ જ કરાય ?
સભાઃ મૂળસ્વરૂપ દબાય શી રીતે ? દુનિયામાં કેટલીય ચીજો એવી સ્થિતિમાં છે. સોનું અને માટી મળેલાં છે.