________________
૧૭: સંઘ કોની પડખે રહે ? વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, પોષ સુદ પ્ર. - ૧, મંગળવાર, તા. ૩૧-૧૨-૧૯૨૯
• “એક જ દેશીય માન્યતા' એ કુનયનું સ્વરૂપ છે :
વાંધો તો દુરાગ્રહની સાથે છે : વિચાર સ્વાતંત્ર્ય કે વર્તનસ્વાતંત્ર્ય ? સંયમના અર્થીના પરીક્ષક કોણ ? ઝેરના અખતરા ન હોય ?
હીરાની પરીક્ષા ઝવેરી જ કરે : • સ્ટીમરો ઘણીયે ડૂબી પણ મુસાફરી અટકી ? • સંઘ કોની પડખે રહે ?
એક જ દેશીય માન્યતા’-એ કુનયનું સ્વરૂપ છે:
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી તીર્થંકરદેવ પછી શ્રીસંઘને પૂજ્ય કોટિનો માની નગર, ચક્ર, રથ, કમળ તથા ચંદ્રની ઉપમા વડે સ્વવી, હવે સૂર્યના રૂપક દ્વારા સ્તવે છે.
સૂર્યમાં ગ્રહગણની પ્રભાનો નાશ કરવાનો ગુણ હોય છે, એની કાન્તિ બહુ ઉગ્ર હોય છે અને જગતને પ્રકાશ આપવાનો એનો સ્વભાવ હોય છે; એ રીતે શ્રીસંઘરૂપ સૂર્યમાં પણ એ બધા ગુણો જોઈએ, પણ એ ક્યારે સાંપડે? જ્યારે તે પોતાના સ્વરૂપમાં સ્થિર હોય ત્યારે ! શ્રીસંઘનું સ્વરૂપ દમ-ઉપશમ છે; જ્યાં ઉપશમનું ઠેકાણું નથી, ત્યાં એ ગુણો પ્રગટ થઈ શકતા નથી. સૂર્યની પ્રભાથી જેમ ગ્રહગણની પ્રભા નાશ પામે છે, તેમ પરતીર્થિક એવા કુમતવાદીરૂપ ગ્રહગણની પ્રભા પણ શ્રીસંઘરૂપ સૂર્યની પ્રભાથી નાશ પામે છે. શ્રીસંઘરૂપ સૂર્ય પાસે કુતીર્થિકો ગ્રહતુલ્ય છે. એ ગ્રહોની પ્રભા જ્યાં સુધી સૂર્યોદય ન થાય ત્યાં સુધી જ ટકે.
અન્ય દર્શનકારોમાં વસ્તુનો અમુક આંશિક સ્વીકાર તો હોય છે, પણ એ વસ્તુને એકાંત માને છે, માટે એ અસત્યમાં ચાલી જાય છે. આત્માને કોઈ નિત્ય જ માને છે, તો કોઈ અનિત્ય જ માને છે; કોઈ વિભુ જ માને છે, તો કોઈ અણુ જ માને છે. આવી એકાંત માન્યતાને લઈને તે તે દર્શન સુનયનું પૂજારી થવાને