________________
૧ : સંઘપતિ કેવા હોય ?
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, માગસર સુદ-૧૪, રવિવાર, તા. ૧૫-૧૨-૧૯૨૯
♦ સંઘત્વ શાથી જળવાય ?
♦ સંઘપતિ શ્રી રામચંદ્રજી જેવા હોય :
૭ શ્રીસંઘને નગરની ઉપમા :
૦ આચાર્ય સંઘના સંચાલક છે :
♦ આપણું અને પરાયું :
1
શ્રી તીર્થંકર્ મહારાજા, ‘નમો તિત્થસ’ એ પરમ માંગલિક સૂત્રનો ઉચ્ચાર કરવા દ્વારા જગતના જીવોના એક માત્ર કલ્યાણના જ કારણરૂપ-શ્રીતીર્થને નમસ્કાર કરીને, દેશનાનો પ્રારંભ કરે છે. તીર્થના શાસન વગેરે અર્થો જેમ થાય છે તેમ શ્રીસંઘ એ પણ તીર્થ ગણાય છે. શ્રીસંઘ એ તો આપણે માટે પચીસમા તીર્થંકરની જેમ પૂજ્ય છે, માટે આપણે પણ પરમપૂજ્ય શ્રીસંઘને નમસ્કાર કરીને, શ્રીસંઘનું સ્વરૂપ વિચારીએ. દરેક વસ્તુની વિચારણા વિવિધ દૃષ્ટિએ કરવી જોઈએ. ખાસ કરીને આમાં અનંતજ્ઞાનીઓએ દર્શાવેલા પૂજ્ય શ્રીસંઘના સ્વરૂપનો વિચાર કરવા સાથે, પોતાને શ્રીસંઘ તરીકે ઓળખાવનાર વર્ગના વર્તમાન સ્વરૂપની પણ વિસ્તૃત વિચારણા આપણે ક૨વી છે; કારણ કે આજે શ્રી સંઘના નામે જે જે કાર્યવાહી થઈ રહી છે, તે વિષે વિચાર કરવો અત્યન્ત આવશ્યક છે.
સંઘત્વ શાથી જળવાય ?
દરેક આત્માએ લાયકાત કેળવવી જોઈએ અને પોતાની યોગ્યતા જેટલો જ એકરાર કરવો જોઈએ. જે ગુણ પોતામાં ન હોય એનો દેખાવ કરવો, એના જેવી બીજી અજ્ઞાનતા કઈ છે ? સમ્યગ્દષ્ટિ આત્મા દુઃશક્ય વસ્તુના મનોરથો કરે, પણ શક્ય વસ્તુની આરાધના માટે મનોરથ કરી સમય ન ગાળે. સમ્યગ્દષ્ટ આત્મા અશક્તિ આદિના યોગે વિરતિનો સ્વીકાર ન કરી શકે એ ચાલે, કેમ કે-તાકાત નથી, પણ શ્રી જિનપૂજન આદિ ન કરે, એ કેમ ચાલે ? સંયોગવશાત્ પ્રસંગને પામીને કદાચ ન થાય એ વાત જુદી, પણ ‘કરીએ તોયે ઠીક અને ન કરીએ તોયે ઠીક'. આમ બોલે, એ કેમ ચાલે ? આ એક વાત થઈ. બીજી વાત એ કે-પૂજા કરે અને આજ્ઞા ન માને, એ કેમ ચાલે ? જેની પૂજા કરે